- ડીઝલ ટેન્ક બ્લાસ્ટનો મામલો: પાટડીની જગન્નાથ કેમિકલ કંપનીએ ઝેરી પદાર્થની નદીઓ વહેવડાવી
- ક્લોરીન અને એચસીએલવાળું દુષિત પાણી તેમજ લિગ્નાઈટના ભુક્કાથી સ્થાનિકો ત્રાહિમામ
પાટડીની કેમિકલ કંપનીમાં ઓઇલ ટેન્કમાં વેલ્ડિંગ કરતા બ્લાસ્ટ થયો હતો. જેમાં ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયાં હતા. જે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું છે. હવે આ કેમિકલ કંપની અંગે સ્થાનિક વર્તુળોમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. વધુ ઉત્પાદન કરવાની લ્હાયમાં કેમિકલ કંપની જગન્નાથ હેલોજન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રદુષિત પાણી છોડવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. બેફામ ધમધમતી કંપનીમાંથી માંડી લિગ્નાઈટનો ભુક્કો ઉડતા ખેડૂતોનો પાક બગડી રહ્યાની ભારે ફરિયાદો છે તેમ છતાં પ્રદુષણ બોર્ડને આ ગંભીર પરિસ્થિતિ નજરે નહિ પડતા એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા તાલુકાના પાટડીની જગન્નાથ હેલોજન પ્રા.લી. કેમિકલ ફેક્ટરીમાં ટેન્કમાં વેલ્ડિંગ કરતી સમયે બ્લાસ્ટ બાદ આગ લાગતા ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. આ આગની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ફેક્ટરીમાં દોડી ગયા હતા. જ્યારે આ ઘટનાના પગલે પાટડી નગરપાલિકાના ફાયર ફાઇટરે તાકીદે ખારાઘોડા ફેક્ટરી ખાતે દોડી જઈ બે કલાકની ભારે જહેમત આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી.
ફેક્ટરીમાં ટેન્કરમાં વેલ્ડિંગ કરતી સમયે ભયાનક બ્લાસ્ટ બાદ આગ લાગતા બકુલ પ્રહલાદભાઈ(ઉ.વ.25) રહે ખારાઘોડા, રામઅવતાર મૂળ રાજસ્થાન (કંપની મેનેજર), સાગરભાઈ (ઉ.વ. 27) રહે પાટડી અને મુન્નાભાઈ રહે ખારાઘોડા ગંભીર રીતે દાઝ્યા હતા. ચારેય યુવાનો ગંભીર રીતે દાઝતા તાકીદે સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમાં પાટડી સરકારી દવાખાને લઈ જવાયા હતા.
જેમાં બકુલ પ્રહલાદભાઈ (ઉ.વ.25વર્ષ) નામના યુવાનની હાલત 80થી 90 % દાઝી જવાથી નાજૂક જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે પાટડી પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
હવે મામલામાં સ્થાનિક આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ગત તા. 5 માર્ચના રોજ સાંજના સુમારે જગન્નાથ હેલોજન પ્રા. લી.માં આશરે 300 લિટર ડીઝલ ભરેલ ટેન્કમાં લિકેજ થતાં મેનેજર રામઅવતારએ વેલ્ડિંગ કરવા જણાવ્યું હતું. જેથી કર્મચારીઓએ ડીઝલ ભરેલું ટેન્ક હોય વેલ્ડિંગ કરવું જોખમી બની શકે છે પણ તેમ છતાં મેનેજરે દાદાગીરી કરી વેલ્ડિંગ કામ શરૂ કરાવ્યું હતું. જે બાદ વેલ્ડિંગના લીધે ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી અને તેમાં મેનેજર સહીત ચાર લોકો દાઝી ગયાં હતા.
આ કેમિકલ કંપનીમાં બ્રોમીન અને મેગ્નેશીયમ ક્લોરાઇડનું ઉત્પાદન કરવામાં આવે છે. હવે આ કેમિકલનું ઉત્પાદન કરવા માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ નિગમ (જીપીસીબી) દ્વારા ઝીરો લીકવીડ ડિસ્ચાર્જની શરતો પર લાયસન્સ આપવામાં આવે છે પણ આ કંપની દ્વારા નિયમો લને નેવે મૂકી દર વર્ષે 2 લાખ લિટરથી વધુ ક્લોરીન અને એચસીએલયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવે છે. જેના લીધે ભારે પ્રદુષણ થાય છે. હવે આ વિસ્તારમાં અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે. અગરિયાઓનું જીવન પડકારરૂપ તો હોય જ છે પણ પ્રદુષિત પાણીના લીધે અગરીયાઓનું જીવણ દોહઝખ બની રહ્યું છે.
સૂત્રોમાંથી મળેલી વિગતો અનુસાર વધુ પ્રોડક્શનની લ્હાયમાં પ્રદુષિત પાણી તો છોડવામાં આવે છે. પ્રાપ્ત વિગત અનુસાર આ પ્રકારની કંપનીઓ સરેરાશ વાર્ષિક 100 ટનનું ઉત્પાદન કરે છે પણ જગન્નાથ હેલોજન પ્રા.લી. દ્વારા વાર્ષિક 550 ટન જેટલું ઉત્પાદન કરવામાં આવે છે જેનું પરિણામ સ્થાનિકો ભોગવી રહ્યા છે. આ મામલે આસપાસના ખેડૂતો, સ્થાનિકો તેમજ અન્ય ફેક્ટરીના માલિકો દ્વારા અગાઉ અનેકવાર મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો પણ ફેક્ટરીના મૂળ રાજસ્થાની માલિકો કોઈને પણ દાદ દેતા નથી તેવું જાણવા મળી રહ્યું છે.
ઉપરાંત જગન્નાથ હેલોઝનની અન્ય પેઢી જગન્નાથ સોલ્ટ પ્રા.લી. દ્વારા પાવર હાઉસમાં લિગ્નાઈટનો ઉપયોગ કરવામાં આવે છે જેનો ભુક્કો મોટી માત્રામાં ફેક્ટરીમાંથી ઉડીને બહાર આવે છે જેની વિપરીત અસર આસપાસની અન્ય ફેક્ટરીથી માંડીને ખેડૂતોના પાકને પણ પડી રહી છે. આ મામલે એસોસિએશનમાં પણ રજુઆતો કરવામાં આવી હતી પણ કંપની માલિક યોગેશ ગુપ્તા દ્વારા આ તમામ વાતને ફગાવી દેવામાં આવે છે.
બે વર્ષ પૂર્વે પણ જગન્નાથ હેલોઝનને અપાયું હતું ક્લોઝર
પ્રાપ્ત વિગત અનુસાર બે વર્ષ પૂર્વે જગન્નાથ હેલોઝનને જીપીસીબી દ્વારા પ્રદુષણ કરવા બદલ ક્લોઝર આપવામાં આવ્યું હતું. જેના લીધે પીજીવીસીએલએ મીટર પણ બંધ કરી દેવામાં આવ્યું હતું પણ તેમ છતાં ક્લોઝર દરમિયાન પણ રાત્રીના સમયે જનરેટરની મદદથી ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. જો કે, 25 દિવસમાં ક્લોઝર રિવાઇવ થઇ જતાં ફરીવાર ફેક્ટરી બેફામ ધમધમી ઉઠી હતી.
વાર્ષિક 2 લાખ લિટર પ્રદુષિત પાણી છોડતા હોવાની રાવ
જગન્નાથ હેલોઝન કેમિકલ કંપની દ્વારા વાર્ષિક 2 લાખ લિટરથી વધુ પ્રદુષિત એટલે કે ક્લોરીન અને એચસીએલયુક્ત પાણી જાહેરમાં છોડવામાં આવે છે. આ પ્રદુષિત પાણીના લીધે અગરીયાઓ, ખેડૂતો અને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ અંગે અગાઉ રજુઆતો પણ કરવામાં આવી હતી પણ કંપનીના માલિકો કોઈને પણ દાદ આપતાં નથી તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
જીપીસીબીએ તપાસમાં ઝુકાવી કાયમી ‘તાળું’ મારી દેવાનો હુકમ કરવો જરૂરી
હાલ જે રીતે આ કંપની પ્રાંગણમાં બ્લાસ્ટ થતાં એક યુવાનનું મોત નીપજ્યું અને ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાં ત્યારે હવે જીપીસીબીએ તાત્કાલિક મામલામાં તપાસ તટસ્થ તપાસ કરવાની તાતી જરૂરિયાત છે. સ્થાનિક લોકો સાથે ફકત વાત કરવામાં આવે તો પણ કેમિકલ કંપની દ્વારા કરવામાં આવતા પ્રદુષણ અને નિયમોના ઉલાળીયા અંગે અનેક ચોકાવનારી વિગતો સામે આવી શકે તેમ છે. હવે અન્ય કોઈ ઘટના ન બને તેના માટે તાત્કાલિક આ કંપનીને કાયમીધોરણે તાળું મારી દેવા હુકમો કરવાની જરૂર છે.