પોપટપરા-રેલનગરમાં 698 એફોર્ડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેક્સ અંતર્ગત ભાડે આપતા એજન્સી 70% થી વધુ ઉસેડી જશે: કોર્પોરેશન પાંચ વર્ષમાં રૂા.18 કરોડની આવક
કેન્દ્ર સરકારની એફોડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેક્સ યોજના અંતર્ગત શહેરના રેલનગર અને પોપટપરા વિસ્તારમાં ખાલી રહેલા 698 ક્વાર્ટર ભાડે આપવા માટે કોર્પોરેશન દ્વારા બેંગ્લોરની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ભાડાની આવકમાંથી કોર્પોરેશનને માત્ર 25 ટકા જ રકમ મળતી હોવાના કારણે વિવાદ ઉભો થતાં રિ-ટેન્ડર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, રિ-ટેન્ડરમાં મહાપાલિકાને વધુ કોઇ ફાયદો થયો નથી. એજન્સીએ માસિક ભાડાની આવકમાંથી માત્ર 6.35 રૂપિયાનો વધારો આપ્યો છે.
દરમિયાન આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં આ સહિતની અલગ-અલગ 25 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ એફોડેબલ રેન્ટલ હાઉસીંગ કોમ્પ્લેક્સ અંતર્ગત ખાલી પડેલા 698 ક્વાર્ટર ભાડે આપવા માટે બેંગ્લોરની ઇરીના હોસ્પિટાલીટી પ્રાઇવેટ લીમીટેડને કોન્ટ્રાક્ટ આપવા માટે અગાઉ દરખાસ્ત આવી હતી. જેમાં એક આવાસના રૂા.3,000ના ભાડા સાથે એજન્સી દ્વારા કોર્પોરેશન માત્ર 857.36 રૂપિયા આપવાની ઓફર આપવામાં આવી હતી અને 25 વર્ષના આ કોન્ટ્રાક્ટમાં મહાપાલિકાને રૂા.17.95 કરોડની આવક થવાની હતી.
દરમિયાન ભાડાની આવકમાંથી કંપની દ્વારા જે હિસ્સો કોર્પોરેશનને આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું તે ખૂબ જ ઓછો હોવાના કારણે સ્ટેન્ડિંગ કમિટીએ રિ-ટેન્ડર કરવાનું નિર્ણય લીધો હતો. જો કે તેમાં કોઇ ખાસ ફાયદો થયો નથી. અગાઉ એજન્સીએ ભાડાની આવકમાંથી 857.36 રૂપિયાનું આપવાની ઓફર આપી હતી. જે હવે 6.35 રૂપિયાના વધારા સાથે 863.31 આપવાની ઓફર આપી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં આ દરખાસ્તો નિર્ણય લેવામાં આવશે. 6 મહિના સુધી સતત મથામણ કર્યા બાદ કોર્પોરેશનને 25 વર્ષે 13.20 લાખનો જ ફાયદો થાય છે.
કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીને બેઠકમાં પ્રદ્યુમન ખાતે વાઇલ્ડ ડોગનું પાંજરુ બનાવવા, દબાણ હટાવ ઇન્સ્પેક્ટરની 9 જગ્યાની મુદ્ત વધારવા, વોર્ડ નં.15માં નેશનલ હાઇવેથી રામવનને જોડતા રોડને ડેવલપ કરવા, કોર્પોરેશનના માલ-મિલકતના રક્ષણ માટે સિક્યુરિટી ગાર્ડ પુરા પાડવા, એજન્સી નિયુક્ત કરવા સહિતની 25 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.