આશરે ૯૦થી ૯૨ કરોડ લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને કામદાર રાજ્ય વીમા યોજના જેવી સરકારી યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા
હેલ્થ ઇન્શ્યોરન્સ, કોવિડ-૧૯ના સારવાર ખર્ચા તથા કોર્પોરેટ હેલ્થ ઇન્શ્યોરન્સના પ્રવાહો, કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ ગુજરાતના ઉપક્રમે વર્ચ્યુઅલ સેશન યોજાયું હતું. વેબિનારમાં નિષ્ણાતોએ એવું મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે કોવિડ-૧૯ મહામારીએ હેલ્થ ઇન્શ્યોરન્સનું મહત્ત્વ વધારી દીધું છે અને લોકોને ખ્યાલ આવ્યો છે કે હેલ્થ ઇન્શ્યોરન્સ એ નાણાકીય આયોજનનો આવશ્યક હિસ્સો છે. ગુજરાતના વાઈસ-ચેરમેન વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં આરોગ્ય માટે જીડીપીના માત્ર ૪.૨% ખર્ચ કરવામાં આવે છે, જે બ્રિક્સ દેશોમાં સૌથી નીચો છે.
અગ્રવાલે જણાવ્યું હતું કે હેલ્થ અને લાઈફ ઇન્શ્યોરન્સ એ નાણાકીય આયોજનનો ખૂબ જ મહત્ત્વનો હિસ્સો છે. કોવિડ-૧૯ મહામારીએ ઇન્શ્યોરન્સ બાબતે જાગૃતિમાં વધારો કર્યો છે. આમ છતાં પણ ભારતમાં આરોગ્ય માટે થતો માથાદીઠ ખર્ચ માત્ર રૂ. ૩૪૨ છે. આશરે ૯૦થી ૯૨ કરોડ લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને કામદાર રાજ્ય વીમા યોજના જેવી સરકારી યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જ્યારે ૪૦ કરોડ લોકો ઓછો વીમા લઈ રહ્યા છે અથવા તો વીમા લેતા જ નથી. લાંબા ગાળાના હેલ્થ ઇન્શ્યોરન્સની તાકીદની જરૂરિયાત છે.
ઇન્શ્યોરન્સ કંપનીઓને રૂ. ૮૦૦૦ કરોડના દાવા મળ્યા છે, જેમાંથી ૩ નવેમ્બર સુધીની સ્થિતિમાં રૂ.૩૫૦૦ કરોડના દાવા ચૂકવાઈ ગયા છે. સામાન્ય ફુગાવાની તુલનામાં તબીબીક્ષેત્રે ફુગાવો ખૂબ જ ઊંચા દરથી વધતો જાય છે, આથી ઇન્શ્યોરન્સ પોલિસી રાખવાનું ફરજિયાત બની ગયું છે. મને લાગે છે કે રોટી, કપડાં અને મકાન પછી હેલ્થ ઇન્શ્યોરન્સ એ ચોથી સૌથી મહત્ત્વની બાબત છે.
હેલ્થ ઇન્સ્યોરન્સમાં જાગૃતિ
કોવિડ-૧૯ પહેલાં હેલ્થ ઇન્શ્યોરન્સને મુનસફી ખર્ચ તરીકે ગણવામાં આવતો હતો. મોટા ભાગના લોકો હેલ્થ ઇન્શ્યોરન્સને દબાણપૂર્વક વેચવામાં આવતી પ્રોડકટ તરીકે ગણતા હતા. હવે એની તરફનું આકર્ષણ વધ્યું છે અને હેલ્થ ઇન્શ્યોરન્સ માટેની જાગૃતિમાં વધારો થયો છે.