આમા કેમ ભણે ગુજરાત?
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓ કોમ્પ્યુટર અને સાયન્સ લેબ વિહોણી
ગુજરાત વિધાનસભામાં ચાલતા બજેટ સત્રના અંતિમ દિવસે આજે સવારે શિક્ષણ વિભાગની પ્રશ્ર્નોતરીની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શિક્ષણ મંત્રીએ એવી કબુલાત કરી હતી કે, સૌરાષ્ટ્રના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મોટાભાગની સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ અને સાયન્સ લેબની સુવિધા જ નથી. ભાવનગર જીલ્લામાં વર્ષ 2022માં ધોરણ 7 અને 8 ના પ્રશ્ર્ન પત્ર ચોરાયાની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાજયની 906 પ્રાથમિક શાળાઓ આજની તારીખે માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે.
આજે વિધાનસભામાં બજેટ સત્રનો આરંભ સવારે 9 વાગ્યાથી થયો હતો. જેમાં સૌ પ્રથમ શિક્ષણ વિભાગને લગતા પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી હતી. જામનગર જીલ્લાની 490 શાળાઓમાં કોમ્પ્યુટર લેબની કોઇ જ સુવિધા નથી જયારે 506 શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગ શાળા નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાની 337 પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી જયારે જીલ્લાની 379 શાળાઓ વિજ્ઞાન પ્રયોગ શાળાની સુવિધા વિહોણી છે.
કચ્છની 1689 પ્રાથમિક શાળાઓ પૈકી 196 શાળાઓમાં ઓરડીાની ઘટ છે. 397 શાળાઓમાં કમ્પાઉન્ડ વોલની સુવિધા નથી એક તરફ ગુજરાતમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે રાજય સરકાર દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સિકકાની બીજી બાજુ રાજયની 906 પ્રાથમિક શાળાઓ આજની તારીખે માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે.