ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરો: ડો. મનીષ દોશી
ગુજરાતના 33 જીલ્લાની 1657 સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે જેમાં કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં 353 શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે ત્યારે ગુજરાતની પ્રાથમીક / માધ્યમિક / ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના રદ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવના નામે તાયફા યોજી સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ બીજી તરફ ગુજરાતમાં 1657 સરકારી શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષકથી ચાલે છે.
એક જ શિક્ષકના હવાલે ચાલતી શાળાઓમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરતાં હશે ? તેમનું ભણતર કેવું હશે ? એક જ શિક્ષકથી ચાલતી શાળાઓ મામલે ગામડાંઓમાં સ્થિતિ અતિ ચિંતાજનક અને વિકટ છે. 1657 માંથી સૌથી વધુ 1363 શાળાઓ એકલા ગ્રામ્ય વિસ્તારની છે. જ્યારે બાકીની 294 શાળાઓ રાજ્યના શહેરી વિસ્તારોની છે. આ શાળાઓમાં અલગ અલગ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે. રાજ્યની 33 જીલ્લામાંથી સાત જીલ્લામાં સૌથી વધુ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે જેમાં કચ્છમાં 213, અમદાવાદમાં 98, રાજકોટમાં 83, બનાસકાંઠમાં 81, તાપીમાં 80, મહિસાગરમાં 77 અને દેવભૂમિ દ્વારકામાં 73 શાળાઓ છે.
ગ્રાન્ટેડ પ્રાથમીક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે. આ છે ભાજપ સરકારની શિક્ષણ અંગેની વ્યવસ્થાનો ચિતાર…!
ગુજરાત સરકારે જે આધાર લઈને જ્ઞાન સહાયક યોજના જાહેર કરેલ છે તે રાષ્ટ્રિય શિક્ષણ નિતિ-2020 માં પેઈજ નં. 22, પોઈન્ટ નં. 517 માં સ્પષ્ટ પણે કાયમી શિક્ષકો નિમણુંકની જોગવાઈ છે તો પછી કોન્ટ્રાક્ટ આધારે જ્ઞાન સહાયક યોજના કેમ ? રાજ્યમાં 32000 કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બીજીતરફ, ટેટ-ટાટ પાસ થયેલ 50,000 હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે પણ, સરકારે કરાર આધારિત જ્ઞાન સહાયકની ભરતી જાહેર કરવુ કેટલા અંશે વ્યાજબી ?
ડિજિટલ યુગ વચ્ચે ગુજરાતમાં બે હજાર થી વધુ સરકારી સ્કુલોમાં ઈન્ટરનેટની સવલત નથી. આ સંદર્ભેનો વર્ષ 2021-22 નો એક રિપોર્ટ તાજેતરમાં જાહેર થયો હતો. ગુજરાતમાં 2018 સરકારી શાળામાં ઈન્ટરનેટની સુવિધા નથી. જે શાળાઓમાં ઈન્ટરનેટની સવલત ઊભી કરાઈ છે તે પૈકી કેટલી શાળાઓમાં અત્યારે ઈન્ટરનેટની સવલત ઠપ્પ છે તે વિશે રિપોર્ટમાં સ્પષ્ટતા કરાઈ નથી. ગુજરાતમાં વર્ષ 2005-06 થી 2022-23 ના અરસામાં 7199 શાળાઓમાં કોમ્પ્યુટર લેબોરેટરી ઊભી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી, સમગ્ર દેશમાં 1.20 લાખ થી વધુ સ્કુલોમાં કોમ્પ્યુટર લેબોરેટરી માટે મંજુરી અપાઈ હતી. હકીકતમાં અનેક શાળાઓમાં કોમ્પ્યુટરો ધૂળ ખાય છે.
રાજ્યનો શિક્ષણ વિભાગ જે રીતે એક પછી એક પગલા / યોજના જાહેર કરી રહી છે તેનાથી શિક્ષણ વ્યવસ્થા સુધારાને બદલે વધુ નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીએ શિક્ષણની સ્થિતિ અંગે ગંભીર પરિસ્થિતિ સરકારને ધ્યાન મુકી હતી. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં સત્વરે કાયમી શિક્ષકોની નિમણુંક કરવામાં આવે અને ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત ‘જ્ઞાન સહાયક યોજના’ રદ કરવામાં આવે.