સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે ઓછા ગાઇડ અને રિસર્ચ વિનાનું પીએચ.ડી
પ્રોડકટીવ અને પેટન્ટ બેઇઝ પીએચ.ડી ન થતું હોવાનું આવ્યું સામે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી કરતા વિદ્યાર્થીઓનો મહાશોધ નિબંધ રિસર્ચ બેઇઝ ન હોવાનું સામે આવ્યું છે. યુનિવર્સિટી ભવન મુજબ જોવામાં આવે તો કેટલાક ભવન એવા છે કે જ્યાં વિદ્યાર્થીઓને પીએચ.ડી તો કરવું છે પણ ગાઈડ નથી જયારે કેટલાક ભવનમાં પીએચ.ડીના ગાઈડ ઉપલબ્ધ છે પરંતુ તેમાં પીએચ.ડી કરવા માટે રજીસ્ટ્રેશન પણ કરાવતા નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં કુલ ૩૦૨ ગાઈડ છે જેમાં આર્ટસમાં ૧૨૫, કોમર્સમાં ૩૦, ફાર્મસીમાં ૨ ગાઈડ છે જ્યારે લાઈબ્રેરી સાયન્સમાં રૂરલ સ્ટડીઝ અને મેડિકલ ફેકલ્ટીમાં પેથોલોજીમાં માત્ર એક જ ગાઈડ છે ત્યારે ગાઈડની સંખ્યા વધે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ પીએચ.ડી થાય તે માટેનો યુનિવર્સિટીનો પ્રયાસ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષમાં ૨ વખત પીએચ.ડીમાં પ્રવેશ માટેની પરીક્ષા લેવામાં આવે છે જેમાં ભવન મુજબ વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા પાસ પણ કરે છે પરંતુ જેની સામે ગાઈડ ઓછા હોવાથી પીએચ.ડી શરૂ કરી જ શકતા નથી જેને લીધે દર વર્ષે પીએચ.ડીમાં પાસ થતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે તેની સામે ગાઈડની સંખ્યા વધતી નથી.
બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ જે વિષયમાં પીએચ.ડી કરે છે તે વીષય પણ રીસર્ચ આધારિત હોતો નથી જેથી અધ્યાપક બનવા માટે જે રીસર્ચ અને ડેવલોપમેન્ટની જરૂરિયાત છે તે પરિપૂર્ણ થતી નથી જેથી સૌપ્રથમ તો વિદ્યાર્થીઓને પીએચ.ડી કરાવતા ગાઈડને તાલીમ આપવાની જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો સૌપ્રથમ તો પીએચ.ડીના તમામ ગાઈડને રિસર્ચ અને ડેવલોપમેન્ટ પર કામ કરવા માટે માર્ગદર્શન આપે અને ત્યારબાદ પીએચ.ડી કરતા તમામ વિદ્યાર્થીઓ વિષય પસંદગી માટે માર્ગદર્શન મળે તે અત્યંત જરૂરી છે.