વડાપ્રધાનની આત્મનિર્ભરની અપીલને ઝીલતું ગૃહ મંત્રાલય
૧ જુન ૨૦૨૦થી દેશભરની તમામ સીએપીએફ કેન્ટીન પર દેશી ઉત્પાદનોનું વેચાણ કરાશે
ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્વનિર્ભર ભારત અભિયાનનાં સમર્થનમાં જાહેરાત કરી છે કે, તમામ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ કેન્ટીન હવે ફકત સ્વદેશી ઉત્પાદનોનું જ વેચાણ કરશે અને આ હુકમ ૧લી જુન ૨૦૨૦થી દેશભરની તમામ સીએપીએફ કેન્ટીન પર લાગુ થશે.
અમિત શાહે બુધવારે ટવીટ કરીને જણાવ્યું હતું કે, ગૃહમંત્રાલયે નિર્ણય લીધો છે કે તમામ સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ કેન્ટીન હવે માત્ર દેશી ઉત્પાદનોનું જ વેચાણ કરશે. આગામી તા.૧લી જુન ૨૦૨૦થી દેશભરની તમામ સીએપીએફ કેન્ટીન પર લાગુ કરાશે. આ સાથે લગભગ ૧૦ લાખ સીએપીએફ જવાનોનાં ૫૦ લાખ પરીવારો સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરશે. એક અન્ય ટવીટમાં ગૃહમંત્રીએ લખ્યું છે કે, ગઈકાલે વડાપ્રધાને દેશને આત્મનિર્ભર બનાવવા અને સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ કરવા અપીલ કરી હતી જે આગામી સમયમાં વિશ્ર્વ માટે અગ્રેસર રહે તે માટે ભારતનો માલ ચોકકસપણે મોકળો કરશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હું દેશની જનતાને પણ અપીલ કરું છું કે, દેશમાં બનેલા ઉત્પાદનોનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે અને અન્ય લોકોને પણ આવું કરવા પ્રોત્સાહિત કરીએ તો દરેક ભારતીય ભારતમાં બનાવેલા ઉત્પાદનોનો ઉપયોગ કરે તો દેશની લોકશાહી પાંચ વર્ષમાં જ આત્મનિર્ભર થઈ શકે તેમ છે.