શું આવી રીતે ભણશે ગુજરાત?
શ્રેષ્ઠ શિક્ષણ અને ગુણોત્સવની સૂફિયાણી વાતો છતાં વિદ્યાર્થીઓ ખૂલ્લામાં બેસવા મજબૂર
સુરેન્દ્રનગર જિલ્લાની શ્રેષ્ઠ શાળા ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા શહેરની સારી શાળઓમાં ગણાય છે ત્યારે આ શાળામાં 16 રૂમની જરૂરિયાત સામે માત્ર 4 વર્ગખંડ હોવાથી વિદ્યાર્થીઓને શિયાળા , ઉનાળા અને ચોમાસામાં બહાર ખુલ્લામાં બેસવું પડે છે. આ શાળામાં માત્ર 4 રૂમ હોવાથી 12 શિક્ષકોને પોતાના વર્ગના વિદ્યાર્થીઓને લઇને દરરોજ ક્યાં બેસવું તેની મૂંઝવણ હોય છે. ત્યારે આસપાસના વાલીઓએ આ મુદ્દે આંદોલનની ચીમકી આપી છે.
ગુજરાતમાં શ્રેષ્ઠ શિક્ષણ અને ગુણોત્સવની વાતો કરે છે. ત્યારે શિક્ષણનગરી સુરેન્દ્રનગરમાં ખાટલે મોટીખોટ સામે આવી છે. વઢવાણ શહેરની ગણપતિ ફાટસર શાળામાં ધોરણ 1થી 8ના 550 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં 16 શિક્ષકોનું મહેકમ છે. પરંતુ બેસવા માટે માત્ર 4 રૂમ છે. આ બાળકોને ઠંડી, ગરમી કે વરસાદમાં બહાર બેસવાનો વારો આવ્યો છે.