- ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં આધાર કાર્ડને લગતી કામગીરી સદંતર બંધ: સેન્ટ્રલ ઝોનમાં લોકોની લાંબી લાઇનો
- એકસાથે 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરાયા બાદ કામગીરી પર વ્યાપક અસર: પોસ્ટ ઓફિસ
- અને અલગ-અલગ બેન્કો સહિત 25 સ્થળોએ આધાર કાર્ડને લગતી કામગીરી ચાલુ
કોર્પોરેશનમાં આધાર કાર્ડની કામગીરી કરતા 18 કોમ્પ્યૂટર ઓપરેટરોને સામાન્ય ભૂલના કારણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે આધારને લગતી કામગીરી પર વ્યાપક અસર પડી છે. હાલ વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાં આધાર કાર્ડની કામગીરી સદંતર બંધ છે. સેન્ટ્રલ ઝોનમાં માત્ર ચાર કીટ જ ચાલુ હોવાના કારણે લોકોની લાંબી કતારો લાગે છે. કલાકો સુધી રાહ જોવા છતાં વારો ન આવતો હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. ઓપરેટરોને સસ્પેશન રદ્ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
કોર્પોરેશનની ત્રણેય ઝોન કચેરી ખાતે આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવાની તથા નવા આધાર કાર્ડ કાઢવાની કામગીરી ખૂબ જ સરળતાથી ચાલી રહી હતી. દરમિયાન સામાન્ય ભૂલના કારણે એકસાથે 18 ઓપરેટરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે કામગીરી પર વ્યાપક અસર પડી છે. હાલ ઇસ્ટ ઝોન કચેરી અને વેસ્ટ ઝોન કચેરી ખાતે આધાર કાર્ડને લગતી કામગીરી સંપૂર્ણપણે બંધ છે. સેન્ટ્રલ ઝોનમાં જ્યા 10 કીટ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી ત્યાં હાલ માત્ર ચાર કીટ દ્વારા આધાર કાર્ડને લગતી કામગીરી થઇ રહી છે. જેના કારણે લોકોની લાંબી-લાંબી કતારો કચેરી ખૂલ્યા પહેલા જ લાગી જાય છે. તમામ ઓપરેટરોનું સસ્પેશન રદ્ કરવા માટે બબ્બે વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને સતત મૌખિક રજૂઆત કરવામાં આવે છે પરંતુ ઉચ્ચ કક્ષાએથી કોઇ જ નિર્ણય લેવામાં આવતો ન હોવાના કારણે અરજદારોની હાલત નિરાધાર જેવી થઇ ગઇ છે.
આધાર કાર્ડની કામગીરીનો હવાલો સંભાળતા અધિકારીના જણાવ્યાનુસાર હાલ વેસ્ટ અને ઇસ્ટ ઝોનમાં કામગીરી બંધ છે અને સેન્ટ્રલ ઝોનમાં પણ માત્ર ચાર જ કીટ દ્વારા કામગીરી કરવામાં આવતી હોવાના કારણે લોકોનો ધસારો સતત વધી રહ્યો છે. અરજદારોને પરેશાનીનો સામનો ન કરવો પડે તે માટે ઝોન કચેરી ખાતે કોર્પોરેશન સિવાય અન્ય 25 સ્થળોએ જ્યા આધાર કાર્ડમાં સુધારો-વધારો કરવાની તથા નવા કાર્ડ કઢાવવાની કામગીરી ચાલી રહી છે. તેના સરનામા સાથેનું લીસ્ટ લગાવી દેવામાં આવ્યું છે. બેંક ઓફ બરોડાની ઢેબર રોડ, આજી-ભક્તિનગર શાખા, બેંક ઓફ ઇન્ડિયાની પરાબજાર શાખા અને કાલાવડ રોડ શાખા, એફડીએફસી બેંકની મુખ્ય શાખા, પંજાબ નેશનલ બેંકની મુખ્ય શાખા, કોટક મહિન્દ્રા બેંકની જીમખાના રોડ અને જીવરાજ પાર્ક મેઇન રોડ શાખા, યુટીઆઇના સદર સ્થિત સર્વિસ સેન્ટર ખાતે, યુનિયન બેંકની ભક્તિનગર શાખા, યશ બેંકની ભક્તિનગર શાખા, ઇક્યુટીસ બેંકની ગોંડલ રોડ શાખા, એક્સિસ બેંકની કાલાવડ રોડ શાખા, બીએસએનએલની કાલાવડ રોડ ઓફિસ, ઇન્ડુસઇન બેંકની 150 ફૂટ રીંગ રોડ શાખા ઉપરાંત મેઇન પોસ્ટ ઓફિસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોસ્ટ ઓફિસ, માધાપર પોસ્ટ ઓફિસ, ઘંટેશ્ર્વર એસઆરપી કેમ્પ પોસ્ટ ઓફિસ અને રૈયા રોડ પર આવેલી પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડને લગતી કામગીરી કરવામાં આવી રહી છે. નિર્મલા કોન્વેન્ટ રોડ પર કર્ણાટકા બેંકની શાખા ખાતે પણ આધારની કામગીરી ચાલુ છે.