ખાનગી કંપનીઓ દ્વારા વણનોંધાયેલા ડેન્ટિસ્ટ મારફત અપાતી હોમ સર્વિસ પર પ્રતિબંધ મુકતું ડિસીઆઈ
અબતક, અમદાવાદ
ઘણીવાર આપણે ટીવીમાં ડેન્ટલ પેસ્ટની જાહેરાતમાં એપ્રોન પહેરેલા અને ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવેલા તબીબોને જે તે પેસ્ટનો ઉપયોગ કરવા સલાહ દેતાં જોતા હોઈએ છીએ પણ ડેન્ટિસ્ટને સ્ટેથોસ્કોપની જરૂર જ શું પડે ? તેવો સવાલ ઘણીવાર આપને પણ ઉદ્ભવતો હશે ત્યારે આ સવાલનો જવાબ હજુ કોઈ આપી શક્યું નથી. તેવી જ રીતે હવે દાંત સાફ કરવા માટે ક્યાં પેસ્ટનો ઉપયોગ કરવો તે સવાલ પણ ખૂબ મોટો છે. જે પેસ્ટની જાહેરાત સૌથી સારી તે પેસ્ટની ગુણવત્તા પણ સર્વશ્રેષ્ઠ હોય તેવું જરૂરી નથી પરંતુ આપણે તેવી ગ્રંથી બાંધી લીધી છે તે વાત પણ સાચી છે. ઉપરાંત આપણે દાંતની સારવાર જેની પાસે લઈ રહ્યા છીએ તે વ્યક્તિ ખરેખર શું દાંતના રોગનો નિષ્ણાંત છે કે પછી ફક્ત આપણે આભામાં આવીને જ સારવાર કરાવી લઈએ છીએ. મહત્વપૂર્ણ બાબત છે કે, આપણી ઘરે આવીને દાંતની સારવાર કરી આપતો તબીબ શું ખરેખર દાંતના રોગનો નિષ્ણાંત છે કે કેમ? તેની ખરાઈ પણ કરી શકાતી નથી. ત્યારે આ પ્રકારનાં અનેક સવાલો ડેન્ટલ ક્ષેત્રે રહેલાં છે. જે પૈકી એક મુદ્દે ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હવે ફક્ત દાંતનો તબીબ જ દાંતની સારવાર કરી શકશે.
ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ડીસીઆઈ)એ તાજેતરની એડવાઈઝરીમાં જણાવ્યું છે કે, દંત ચિકિત્સકોને સામેલ કરીને દર્દીઓને ઘરે-ઘરે સેવા પૂરી પાડતી ખાનગી કંપનીઓ પર અંકુશ મુકવાની જરૂરિયાત છે. કાઉન્સિલે જણાવ્યું છે કે, દર્દીઓને દાંતની સારવાર નોંધાયેલા ડેન્ટિસ્ટ દ્વારા જ આપવામાં આવશે અને તેમાં પણ માત્ર ક્લિનિક અથવા હોસ્પિટલ ખાતે જ દાંતની સારવાર આપવામાં આવશે. હવે ઘરે કે અન્ય કોઈ જગ્યાએ સર્વિસ આપવામાં આવશે નહીં.
ખાનગી કંપનીઓ દ્વારા દર્દીઓને આપવામાં આવતી ઇન-હોમ સેવાઓ દંત ચિકિત્સકોની વ્યાવસાયિક કુશળતાને બાયપાસ કરે છે અને આક્રમક માર્કેટિંગ પર કાર્ય કરે છે, તેઓ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ અધિનિયમ, ૧૯૪૮ અને સુધારેલા દંત ચિકિત્સકો માટેના કોડ ઓફ એથિક્સ રેગ્યુલેશન્સનું ઉલ્લંઘન કરે છે તેવું ડીસીઆઈએ જાહેર સૂચનામાં જણાવ્યું હતું.
દાંતનું સ્કેનિંગ ફક્ત નોંધાયેલા દંત ચિકિત્સકો દ્વારા જ કરવામાં આવશે. નોન-રજિસ્ટર્ડ ડેન્ટિસ્ટ દ્વારા દાંતનું સ્કેનિંગ દંત ચિકિત્સક અધિનિયમ, ૧૯૪૮ નું ઘોર ઉલ્લંઘન છે તેવું પણ ડિસીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે.
પેસ્ટ પર આવતા લાલ, લીલા, બ્લુ, કાળા નિશાનનો અર્થ શું ?
ટૂથ પેસ્ટના છેડા પર લાલ, લીલા, બ્લુ અને કાળા નિશાન જોવા મળે છે. જેનો અર્થ ટૂથ પેસ્ટમાં ક્યાં ક્યાં પદાર્થો ઉમેરવામાં આવ્યા છે તેની સાથે જોડવામાં આવે છે. મુખ્યત્વે ચાર કલરના નિશાન જોવા મળે છે. જેમાં બ્લેક નિશાનનો મતલબ સંપૂર્ણપણે કેમિકલ આધારિત, લાલ એટલે કુદરતી અને કેમિકલનું મિશ્રણ, બ્લ્યુ એટલે કુદરતી તેમજ ઔષધીય અને લીલી એટલે તમામ કુદરતી પદાર્થો સાથે આ ટૂથપેસ્ટ બનાવવામાં આવ્યું છે તેવી માન્યતા છે પરંતુ આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. આ નિશાનને અંદર ઉમેરેલા પદાર્થો સાથે કોઈ લેવા દેવા જ નથી. તમામ ટૂથપેસ્ટમાં મોટાભાગે સમાન પદાર્થોનો જ ઉપયોગ થાય છે. આ નિશાન ફક્ત મશીન દ્વારા ટૂથપેસ્ટ ક્યાંથી વાળી શકાય અને ક્યાંથી કાપી શકાય તેના માટે જ આપવામાં આવે છે. અલગ અલગ કંપનીઓ અલગ અલગ રંગના નિશાન મુકતા હોય છે.