કેશુબાપાની પ્રાર્થનાસભા માત્ર ભાજપની પ્રણાલી બની રહી!: ખેડૂત નેતાઓની ગેરહાજરી
રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું તાજેતરમાં નિધન થયા બાદ આજે શહેરની પટેલવાડી ખાતે તેઓની પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાસભા માત્ર ભાજપની પ્રણાલી બની રહી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. સભામાં માત્ર ભાજપનાં નેતાઓ જ તેમાં પણ ખાસ કરીને કોર્પોરેશનનાં પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. ખેડુત નેતાઓની ગેરહાજરી આ સભામાં ઉડીને આંખે વળગે તેવી રહી હતી.
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે તેઓના શાસનકાળમાં અનેક ખેડુતલક્ષી નિર્ણયો લઈને ખેડુતોને ઉંચા લઈ આવવા અથાગ પ્રયત્નો કર્યા હતા. તેઓએ ગોકુલગ્રામ, ચેક ડેમ સહિત અનેકવિધ યોજનાઓ શરૂ કરાવીને ખેડુતોના અનેક પ્રશ્ર્નોનું નિવારણ લાવ્યું હતું અને તેઓ માત્ર એક ભાજપના પૂર્વ નેતા નહીં પરંતુ ખેડુત નેતા પણ હતા. તેઓના નિધન બાદ આજે પટેલવાડી ખાતે પ્રાર્થનાસભા યોજવામાં આવી હતી. કમનશીબે આ પ્રાર્થનાસભા માત્ર ભાજપનો શોકાંજલી કાર્યક્રમ હોય તેમ ભાજપના નેતા સિવાય બીજુ કોઈ આ સભામાં હાજર રહ્યું ન હતું. ખાસ કરીને સભામાં એક પણ ખેડુત નેતાની હાજરી ન રહેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. ઉલ્લેખનીય છે કે કેશુબાપાએ કોઈ પક્ષવાદ કર્યા વગર પ્રજા માટે અને ખેડુતો માટે કામ કર્યા છે. તેમના નિધન બાદ બે ઘડી તેમને યાદ કરીને શ્રદ્ધાંજલી પાઠવવા માટે પણ ખેડુત નેતાઓ પાસે સમય નથી.