કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલ રાજકોટમાં આજે ચૂંટણી સભાઓ ગજવશે
રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે આગામી રવિવારે મતદાન યોજાવાનું છે. નિયમ મુજબ મતદાન પૂર્ણ થવાના ૪૮ કલાક પૂર્વે પ્રચાર પડઘમ બંધ કરી દેવાના હોય છે. આવામાં મહાપાલિકાની ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો માટે હવે માત્ર ૭૨ કલાક જ હાથમાં રહ્યાં છે. મતદારોને રીઝવવા માટે હવે સ્ટાર પ્રચારકો જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. આજે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલની ૮ જેટલી ચૂંટણી સભાઓ યોજાશે. સ્મૃતિ ઈરાની લોકસંપર્ક કરશે અને મહિલા સંમેલનમાં પણ હાજરી આપશે. મહા પાલિકાની ચૂંટણીના પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અંતિમ દિવસોમાં મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે કેન્દ્રીય કેબીનેટ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં ધામા નાખ્યા છે. આજે બપોરે તેઓ ભાજપના ઉમેદવારો પ્રચાર માટે રાજકોટ આવી પહોંચશે. તેઓ સૌપ્રથમ સાંજે ૫ થી ૬ કલાક દરમિયાન વોર્ડ નં.૭માં મુખ્ય બજારોમાં લોકસંપર્ક કરશે અને ભાજપના ઉમેદવારોને મત આપવા લોકોને અપીલ કરશે. ત્યારબાદ ૬ થી ૭ કલાક દરમિયાન મવડી વિસ્તારમાં તેઓ બાપા સીતારામ ચોકમાં એક મહિલા સંમેલનને સંબોધશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે જાહેર કરવામાં આવેલી અલગ અલગ યોજનાઓની માહિતી આપશે. ૭ થી ૮ વાગ્યા દરમિયાન તેઓ સ્વામિનારાયણ ચોકમાં વોર્ડ નં.૧૩ના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં એક જાહેરસભાને સંબોધશે. જ્યારે રાત્રે ૮ થી ૯ દરમિયાન તેઓ સોરઠીયાવાડી સર્કલ ખાતે એક ચૂંટણી સભા સંબોધશે. સ્મૃતિ ઈરાની રાજકોટમાં આજે રાત્રે ૯ થી ૧૦ દરમિયાન ચોથી અને અંતિમ સભા આંબલીયા હનુમાન ચોક ખાતે સંબોધશે.
બીજી તરફ મહાપાલિકાની ગત ચૂંટણીમાં માત્ર ૪ બેઠકો માટે શાસનથી વંચિત રહેલા કોંગ્રેસે પણ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં એડી ચોટીનું જોર લગાવી દીધું છે. આજે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટમાં અલગ અલગ ચાર સ્થળે ચૂંટણીસભા સંબોધશે. હાર્દિક પટેલ વોર્ડ નં.૪ ૫,૮,૧૧ અને ૧૨ના કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણીસભા ગજવશે. હાર્દિક સાંજે ૬ કલાકે સેટેલાઈટ ચોક ખાતે, ૭ વાગ્યે પેડક રોડ પર પાણીના ઘોડા પાસે, ૮ વાગે માણીયા ચોક અને ૯ વાગ્યે બાપાસીતારામ ચોક મવડી વિસ્તારમાં ચૂંટણી સભાઓ સંબોધશે.
મહાપાલિકાની ચૂંટણી પ્રચાર પૂર્ણ થવાને હવે માત્ર ૭૨ કલાક જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે અંતિમ દિવસોમાં મતદારોને રીઝવવા માટે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે.