100 મણનો સવાલ, ગુજરાતનો નાથ કોણ?
વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોમાં દોડધામ, નેતાઓના પ્રવાસો વધ્યા: ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય તૈયારીઓમાં ઊંધામાથે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. એક અંદાજ મુજબ હવે આચારસંહિતાને 60 દિવસ બાકી રહ્યા હોય ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રી પાખીયો જંગ જામવાનો છે. ત્રણેય રાજકીય પક્ષના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતના પ્રવાસો વધારી દીધા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વડોદરામાં એક સભાને સંબોધતાં ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે તેના અણસાર આપી દીધા છે. સીઆર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બે મહિના બાદ ગુજરાતમાં આચારસંહિતા લાગુ પડી જશે. સીઆર પાટીલના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આમ હવે ચૂંટણીને થોડો સમય જ રહ્યો હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. આચારસંહિતા પહેલા જે કોઈ તૈયારી કરવાની થતી હોય છે તેને પૂર્ણ કરવા રાજકીય પક્ષોએ દોટ મૂકી છે. બીજી તરફ વડાપ્રધાન મોદી આ ચૂંટણીમાં કોઈ કસર છોડવા ઇચ્છતા ન હોય, જાતે જ મોરચો સંભાળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વખતે કોંગ્રેસ અને આપ ઉપર સૌની નજર છે. આપ કોંગ્રેસનો વિકલ્પ બને તેનું રાજકીય નિષ્ણાંતો જણાવી રહ્યા છે.
ભાજપે વિજયભાઈ સહિતના 6 જુના જોગીઓનો કોર કમિટીમાં કર્યો સમાવેશ
ભારતીય જનતા પાર્ટીએ પોતાની કોર કમિટીમાં મોટો ફેરફાર કર્યો છે. ગુજરાત ભાજપ દ્વારા કોર કમિટીમાં નવા 3 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલાં ભાજપની કોર કમિટીમાં કુલ 12 સભ્યોનો સમાવેશ કરાયો હતો. ભારતીય જનતા પાર્ટીએ સિનિયર નેતાઓની કોર કમિટીમાં ફેરફાર કર્યો છે. અગાઉ વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના નામોનો આ કમિટીમાં સમાવેશ કરાયો હતો. કેન્સ વિલે ખાતે મળેલી બેઠક વખતે વિજય રુપાણી, નીતિન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાના નામોનો સમાવેશ કરાયો હતો. ત્યારે હવે આજે વધુ ત્રણ નેતાઓને કોરો કમિટીમાં લેવાયા છે. આ ત્રણ નેતાઓમાં ભરત બોઘરા, આર.સી.ફળદુ અને ભારતીબેન શિયાળનો સમાવેશ થાય છે. આમ હવે 12 સભ્યોની
અગાઉની કોર કમિટીમાં કુલ નવા 6 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. થોડા મહિનાઓ પહેલાં ગુજરાત ભાજપે સિનિયર નેતાઓની કોર કમિટીમાં કુલ 12 સભ્યોને લીધા હતા. ત્યારે હવે કુલ 6 નેતાઓને નવી કોર કમિટીમાં સ્થાન અપાયું છે. આ 6 નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, ભારતીબેન શિયાળ અને ભરત બોધરાનો કોર કમિટીમાં સમાવેશ થયો છે.
વડાપ્રધાન મોદી ફરી 27-28મીએ ગુજરાતની મુલાકાતે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત આવશે. પીએમ મોદી 27 અને 28 ઓગસ્ટે ગુજરાતના પ્રવાસે આવવાના હોવાની પ્રાથમિક વિગતો જાહેર થઈ છે. પીએમ મોદી 27 ઓગસ્ટે અમદાવાદ અને 28 ઓગસ્ટે કચ્છની મુલાકાત લેશે. 27મીએ અમદાવાદ નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ અને જનસભાને સંબોધન કરશે. આ ઉપરાંત 28મીએ પીએમ મોદી કચ્છમાં સ્મૃતિવનની મુલાકાત લેશે. ભુજ પહોંચી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. ત્યારબાદ અહીં એક જનસભાને સંબોધિત કરશે. આ સિવાય પીએમ મોદી સભાસ્થળેથી અન્ય 11 કામોનો પ્રારંભ
કરાવવાના છે. પ્રધાનમંત્રી મોદીની જાહેર સભા માટે દોઢ લાખ ચો.મી. જગ્યા પર બે લાખ લોકો માટે ડોમ બનાવવામાં આવશે. આગામી 28 ઓગસ્ટના પીએમ ભુજ આવી રહ્યા છે ત્યારે રાજકીય, સરકારી, પ્રજાકીય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કચ્છ યુનિ.ના પાછળના નોન-યુઝ મેદાનમાં સુવિધા ઉભી કરવા રાત દિવસ કામ ચાલી રહ્યું છે. સ્મૃતિવનનું અર્થક્વેક મ્યુઝિયમ પૂર્ણ કરવા એજન્સી 24 કલાક દોઢસો કામદારો પાસે કામ કરાવી રહી છે. આ પ્રવાસ દરમિયાન અંદાજિત દસ હજાર કરોડના કામોનું લોકાર્પણ અને જાહેરાત કરશે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગહેલોત અને વેણુગોપાલ આજથી ફરી ગુજરાત પ્રવાસે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસ પક્ષમાં તેજ બની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણીની રણનીતિની સાથે દાવેદારોના નામોને લઈને અભિપ્રાયનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન 17 અને 18 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે જઈને ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરી રહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોત ફરી એકવાર આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જો કે આ વખતે મુખ્યમંત્રી અશોક ગેહલોત પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે ગુજરાત આવશે. સીએમ ગેહલોત અને કેસી વેણુગોપાલ સોમવારે બપોરે 2 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા ગુજરાત આવવા રવાના થશે. જ્યાં પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ
કે.સી.વેણુગોપાલ, મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાત પહોંચ્યા બાદ પાર્ટીના રાજ્ય પ્રભારી રઘુ શર્મા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ અને અન્ય ઘણા નેતાઓ સાથે ચૂંટણી તૈયારીઓ પર વિચાર મંથન કરશે.
કેજરીવાલ અને સીસોદીયા આજથી બે દિવસ ગુજરાતમાં
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓએ ટ્વીટમાં લખ્યું છે કે, સોમવારે મનીષજી અને હું બે દિવસ માટે ગુજરાત જઈશું – શિક્ષણ અને આરોગ્યની ગેરન્ટી આપવા. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારી શાળાઓ, સારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ હશે. દરેક વ્યક્તિને મફત સારું શિક્ષણ અને સારી સારવાર મળશે. લોકોને રાહત થશે. યુવાનો સાથે પણ સંવાદ કરીશું. ઉલ્લેખનીય છે કે, દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણપ્રધાન મનીષ સીસોદીયા 22 અને 23 ઓગસ્ટ અમે બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છીએ. આ દરમિયાન બંને નેતાઓ ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ માટેની ગેરેન્ટી આપશે. આ સાથે યુવાનો સાથે સંવાદ પણ કરશે.
રાજ્ય સરકારે બે મંત્રીઓ પાસેથી ખાતા છીન્યા
રાજ્ય સરકારના બે સિનિયર અને કેબિનેટ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ તેમજ પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ-મકાન વિભાગનો હવાલો પાછો લઇ લેવામાં આવ્યો છે. આ બન્ને સભ્યોના રાજ્યકક્ષાના હવાલા બે મંત્રીઓને આપવામાં આવ્યા છે. સરકારે કરેલા ફેરફાર પ્રમાણે મહેસૂલ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીનો હવાલો હર્ષ સંઘવીને તેમજ માર્ગ-મકાનનો હવાલો રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલને આપવામાં આવ્યો છે. સચિવાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે કેબિનેટના સભ્યોને ફાળવેલા વિભાગોમાં નબળાં પરફોર્મન્સના કારણે બે સિનિયર મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિધાનસભાની આવનારી ચૂંટણીને ધ્યાને રાખીને આ બન્ને વિભાગનો કેબિનેટનો દરજ્જો ખુદ મુખ્યમંત્રીએ તેમની હસ્તક રાખ્યો છે.