મહાનગરપાલિકા જ્યારે મન પડે ત્યારે ચેકિંગ અર્થે બજારમાં નીકળી પડે છે.પરંતુ મહાનગરપાલિકા સિવાયમાં વિસ્તારોમાં કોઈ પ્રકારનું ચેકિંગ જ નહિ
શહેરી વિસ્તારની બહાર નાના-મોટા સેન્ટરોમાં આવેલી રેકડીઓ અને દુકાનોમાં વાસી ખાદ્ય પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાથી જનારોગ્ય સાથે ગંભીર ચેડાં
વેચાણ કરતાં દરેક ધંધાર્થીઓને ફરજીયાતપણે રજીસ્ટ્રેશન કે લાયસન્સ લેવું પડતું હોય છે. આ પ્રકારનો નિયમ હોવા છતાં સમગ્ર જિલ્લામાં માત્ર ૪૨૭૪ ધંધાર્થીઓએ રજીસ્ટ્રેશન અને લાયસન્સ લીધું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે જોકે મહાપાલિકા મને પડે ત્યારે ચેકિંગ અર્થે બજારમાં નિકળી પડે છે પરંતુ મહાપાલિકા સિવાયનાં વિસ્તારોમાં કોઈપણ જાતનું ચેકિંગ ચાલતું જ નથી. શહેરી વિસ્તારોની બહાર નાના-મોટા સેન્ટરોમાં આવેલી રેકડીઓ અને દુકાનોમાં વાસી ખાદ્ય પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ કરીને જન આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે. હાલ જિલ્લામાં ૯૮ ટકાથી પણ વધુ ધંધાર્થીઓ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પાસેથી લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર કોઈપણ જાતનાં ડર વિના ખુલ્લેઆમ વેપલો કરી રહ્યા છે.
શહેર વિસ્તારની વિગતો જોઈએ તો મહાપાલિકા દ્વારા સમયાંતરે ફુડનું ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. આ દરમિયાન ખુબ નામાંકિત અને જાણીતા હોય તેવા ધંધાર્થીઓ પણ અખાદ્ય વસ્તુઓ ગ્રાહકોને ખવડાવતા હોવાનું બહાર આવતું હોય છે. શહેરી વિસ્તારમાં ફુડની ગુણવતા મામલે ધંધાર્થીઓ દ્વારા લોલમલોલ કરવામાં આવતું હોવાનાં અનેક બનાવો સમયાંતરે બહાર પ્રકાશિત થતા હોય છે જયારે શહેરી વિસ્તારની બહાર આવેલા વિસ્તારની સ્થિતિ જોઈએ તો ત્યાં કોઈપણ પ્રકારનું ચેકિંગ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ ધરવાની તસ્દી લેવામાં આવતી નથી.
મહાપાલિકાની હદ બહાર આવતા વિસ્તારો ઉપરાંત પડધરી, લોધીકા, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, જેતપુર, કોટડાસાંગાણી, જસદણ અને ગોંડલ સહિતનાં તાલુકાઓમાં ધંધાર્થીઓનાં રાફડા ફાટી નિકળ્યા છે. આવા વિસ્તારોમાં રેકડી અને દુકાનોમાં જે ખાદ્ય વસ્તુનું બેફામ વેચાણ થઈ રહ્યું છે તે આરોગ્ય માટે કેવું છે તેની તપાસ કરવાની પણ ફુડ વિભાગ તસ્દી લેતું નથી. શહેરી વિસ્તાર સિવાયનાં વિસ્તારોમાં ખાદ્ય સામગ્રીઓનું ચેકિંગ કરવાની જવાબદારી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની હોય છે પરંતુ કમનસીબે આ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવતું જ નથી જેથી આવા વિસ્તારોમાં બેફામ અખાદ્ય સામગ્રીઓ વહેંચીને જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. સામે ગ્રાહકોમાં પણ જાગૃતિનો અભાવ હોવાથી તેઓ પણ કોઈપણ જાતની પરવાહ કર્યા વગર અખાદ્ય સામગ્રીઓ આરોગે છે. વધુમાં નિયમ મુજબ દરેક ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતા ધંધાર્થીઓને લાયસન્સ કે રજીસ્ટ્રેશન ફરજીયાતપણે લેવુ પડતું હોય છે. જે ધંધાર્થીઓનું ૧૨ લાખથી ઓછું વાર્ષિક ટર્નઓવર હોય તેઓએ ફોર્મ નં.એ ભરીને રજીસ્ટ્રેશન લેવાનું હોય છે. જયારે જે ધંધાર્થીઓનું વાર્ષિક ટર્નઓવર ૧૨ લાખથી વધુ હોય તેઓએ ફોર્મ નં.બી ભરીને લાયસન્સ લેવું પડતું હોય છે. આ લાયસન્સ અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખુબ સરળ છે તેમ છતાં પણ જિલ્લાનાં ૯૮ ટકાથી વધુ ધંધાર્થીઓ લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર પોતાનો વેપલો ચલાવી રહ્યા છે. જિલ્લામાં માત્ર ૩૦૪૭ રજીસ્ટ્રેશન અને ૧૨૨૭ લાયસન્સ એટલે કે કુલ ૪૨૭૪ ધંધાર્થીઓ તંત્રની મંજુરીથી પોતાનો વેપાર કરી રહ્યા છે. આમ રજીસ્ટ્રેશન અને લાયસન્સ વગર ચાલતા ધંધાનાં હાટડા જામ્યા છે તેમ છતાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કોઈપણ જાતનું ચેકિંગ કરવામાં આવતું નથી. પોતાની નજર સમક્ષ જનઆરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવા છતાં જવાબદાર વિભાગનાં અધિકારીઓનાં પેટનું પાણી પણ હલતું નથી.
હાઈવે પરની અનેક હોટલો લાયસન્સ વગર બેફામ અખાદ્ય સામગ્રીઓ વહેંચે છે હાઈવે પરની અનેક હોટલો લાયસન્સ
હાલના ટ્રેન્ડ મુજબ લોકો શહેરી વિસ્તાર છોડીને થોડો દુર જમવા જવાનું પસંદ કરે છે જેથી હાઈવે ઉપર આવેલી હોટલો હંમેશા ગ્રાહકોની ભીડથી ધમધમતી રહેતી હોય છે. મહાપાલિકા પોતાનાં વિસ્તારમાં આવતી હોટલોનું સમયાંતરે ચેકિંગ કરતી હોય છે પરંતુ અનેક હોટલો મહાપાલિકાની હદ બહાર આવેલી છે. આ હોટલોમાં ચેકિંગ કરવાની જવાબદારી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની હોય છે પરંતુ આ વિભાગની નિષ્ક્રીયતાનાં પગલે હાલ હાઈવે ઉપરની હોટલો બેફામ અખાદ્ય ચીજોનું વેચાણ કરી રહી છે જેને રોકવાવાળું કોઈ છે જ નહીં ? અનેક હોટલો એવી પણ છે જેની પાસે લાયસન્સ પણ નથી.
ફૂડ વિભાગની ૭૦ ટકા જગ્યા ખાલી, અધિકારીઓને ચેકિંગમાં મદદ કરવા માટે એક પટ્ટાવાળો પણ નથી!
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મહાપાલિકા સિવાયનાં જિલ્લાનાં સમગ્ર વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે. આ વિસ્તારમાં ધંધાર્થીઓ ઉપર સંપૂર્ણપણે દેખરેખ રાખવી ફૂડ વિભાગની ફરજ છે પરંતુ ફુડ વિભાગ ઈચ્છે તો પણ પોતાની કામગીરી કરી શકે તેવી હાલતમાં નથી. કારણકે ફૂડ વિભાગમાં ૭૦ ટકાથી વધુ જગ્યા ખાલી છે ઉપરાંત કચેરીમાં એક પટ્ટાવાળો પણ નથી કે જે ચેકિંગ દરમિયાન અધિકારીઓની સાથે જઈ શકે. કદાચ જો કોઈ અધિકારી ચેકિંગ કરવા જાય તો પણ સેમ્પલ લેવાથી માંડી તેને કચેરીએ અથવા લેબોરેટરીએ લઈ જવા સુધીની કામગીરી અધિકારીએ જાતે જ કરવી પડતી હોય છે. હાલ ફૂડ વિભાગમાં ૯ ફૂડ ઈન્સ્પેકટરોનું મહેકમ છે પરંતુ હાલ માત્ર ૩ ફૂડ ઈન્સ્પેકટરો જ મુકવામાં આવ્યા છે. ૬ ફૂડ ઈન્સ્પેકટરોની જગ્યા ખાલી હાલતમાં છે. આ ઉપરાંત જે ત્રણ ફૂડ ઈન્સ્પેકટરો છે તેઓ અગાઉ જે જગ્યાએ ફરજમાં હતા ત્યાં તેઓએ જે ધંધાર્થીઓ ઉપર કેસ કર્યા હોય તેના કેસ કોર્ટમાં ચાલતા હોય અધિકારીઓને મુદત પડયે કોર્ટમાં ફરજીયાતપણે હાજરી આપવાની થતી હોય છે. આ દરેક ફૂડ ઈન્સ્પેકટરો એક મહિનામાં ૧૦ થી ૧૫ દિવસ કોર્ટની મુદતમાં અન્ય શહેરોમાં રોકાતા હોય છે.
લાયસન્સ કે રજિસ્ટ્રેશન વગરનાં ધંધાર્થીઓને નિયમ મુજબ બે વર્ષની સજા થઈ શકે છે
૯૮ ટકાથી વધુ ધંધાર્થીઓ પાસે લાયસન્સ કે રજીસ્ટ્રેશન નથી. કાયદાની દ્રષ્ટિએ આવા ધંધાર્થીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેસ દાખલ કરાવી શકે છે અને નિયમ મુજબ આવા ધંધાર્થીઓને બે વર્ષની સજા પણ થઈ શકે છે. આમ ધંધાને લગતો કાયદો ખુબ જ કડક બનાવવામાં આવ્યો છે પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ કાયદાનું પાલન કરાવવામાં આવતું નથી તે મોટી કમનસીબી છે. ઉપરાંત અનેક ધંધાર્થીઓ તો એવા છે જેને ખબર જ નથી કે ધંધા માટે લાયસન્સ કે રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે ત્યારે ધંધાર્થીઓમાં જાગૃતીની તાતી જરૂરીયાત હોવાનું જાણવા મળ્યું છે.
વીઆઈપીનાં પ્રોટોકોલ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારીઓને હંમેશા અગ્રતા!
શહેરમાં જયારે જયારે કોઈ વીઆઈપી પધારતા હોય છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા પ્રોટોકોલ માટે સૌપ્રથમ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારીઓને જ રોકવામાં આવતા હોય છે. આમ મળતી માહિતી મુજબ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારીઓ પ્રોટોકોલમાં રોકાતા હોવાથી તેની કામગીરીમાં અનેક અડચણો પડતી હોય છે. એક તો અનેક અધિકારીઓની જગ્યા ખાલી છે. બાકી બચેલા થોડા ઘણા અધિકારીઓને પણ વીઆઈપી પ્રોટોકોલમાં જોતરી દેવામાં આવે છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સના એક અધિકારીએ નામ ન દેવાની શરતે કહ્યું હતું કે, તંત્રના મતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને કોઇ કામ હોતું જ નથી તેવું માનીને તેઓને અન્ય કામમાં જોતરી દેવામાં આવતા હોય છે. ખરેખર આ વિભાગની કામગીરી ખૂબ વિશાળકાય છે. પરંતુ તંત્રના આવા વલણના કારણે કોઇ અધિકારી બરાબર રીતે કામ કરી શકતા નથી. વધુમાં રાજકોટમાં અવાર-નવાર રાજકીય નેતાઓ તેમજ બીજા અનેક વીઆઇપીઓ આવતા હોય છે ત્યારે એક અઠવાડિયામાં સરેરાશ ત્રણ દિવસ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સ્ટાફ જોતરાયેલો રહે છે.