Abtak Media Google News
  • અગ્નિકાંડમાં ભોગ બનેલાઓના આંકડામાં જો-તો ઉપર પડદો પાડતી સરકાર
  • લાપતા લોકોની એકપણ ફરિયાદ પેન્ડિંગ નહિ : માહિતી ખાતાની સ્પષ્ટતા

અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં ખરેખર કેટલા લોકોના મોત થયાં તે અંગે લોકોમાં અસમંજસની સ્થિતિ છે. લોકમુખે તરહ-તરહની વાતો ચર્ચાઈ રહી છે. ત્યારે સમગ્ર ગોઝારી ઘટનામાં કલેક્ટર તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, ગેમઝોનમાંથી 27 મૃતદેહ જ મળી આવ્યા છે અને આ મૃતદેહ સંલગ્ન જ ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. 27 મૃતદેહને સંલગ્ન હોય તે સિવાયના એક પણ ડીએનએ લેવામાં આવ્યા નથી. ઘટનામાં 70 ડીએનએ નહિ પરંતુ 27 હતભાગીઓના પરિજનોના જ ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હવા તેવું વહીવટી તંત્રએ જાહેર કર્યું છે.

અગ્નિકાંડની હૃદય હચમચાવી દેનારી ઘટનામાં 27 સત્તાવાર લોકોના મોત નીપજ્યા છે. માહિતી ખાતાના જણાવ્યા અનુસાર ગોઝારી ઘટનામાં 27 હતભાગીઓમાં મૃતદેહ તંત્રના ધ્યાનમાં આવ્યા હતા. જે મૃતદેહની ઓળખ મેળવવા માટે હતભાગીઓના સ્વજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે સેમ્પલ મેચ થઇ ગયાં બાદ 27 હતભાગીઓના મૃતદેહ તેમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે. માહિતી ખાતાએ વધુમાં જણાવ્યું છે કે, હાલ કોઈ પણ વાલી વારસ તરફથી તેમના પરિજનો ગુમ હોવાની ફરિયાદ પેન્ડિંગ નથી જેથી ઘટનામાં 27 સિવાય એકપણ વ્યક્તિ ભોગ બની નથી તેવું સ્પષ્ટ થાય છે.

મહત્વપૂર્ણ બાબત છે કે, જે રીતે અગ્નિકાંડની ઘટના બની ત્યારે અંદર હાજર લોકોની મરણચિસોથી આખુ રાજકોટ ધ્રુજી ઉઠ્યું હતું. હજુ પણ સૌરાષ્ટ્ર આખુ શોકમગ્ન છે. ત્યારે આ ઘટનામાં ખરેખર કેટલા લોકો ભોગ બન્યા છે તે બાબતે લોકોના મનમાં અનેક સવાલો છે. ઘટનામાં 70 લોકોના ડીએનએ સેમ્પલ લેવાયાના અહેવાલ મળ્યા બાદ કલેક્ટર તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, ઘટનામાં મૃત્યુ પામેલા હતભાગીઓની ઓળખ મેળવવા માટે 27 પરિવારોને સંલગ્ન જ ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે સિવાય કોઈના પણ સેમ્પલ લેવામાં આવ્યા ન હતા. જે તમામ ડીએનએ સેમ્પલ મેચ થઇ જતાં હતભાગીઓની ઓળખ મેળવીને તેમના સ્વજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે. માહિતી ખાતાએ સ્પષ્ટતા કરી છે કે, ઘટના બાદ તાતકાલિક લાપતા લોકોની ભાળ મેળવવા માટે તંત્ર કામે લાગ્યુ હતું ત્યારે લાપતા થયેલા લોકોની હવે કોઈ જ પેન્ડિંગ ફરિયાદ રહેતી નહિ હોવાથી અગ્નિકાંડમાં 27 લોકો સિવાય અન્ય કોઈ ભોગ નહિ બન્યાનું ફલિત થયું છે. તેમ છતાં પણ તંત્રએ ગુમશુદા લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. જેમાં ડીસીબી પોલીસ સ્ટેશનનો નંબર આપવામાં આવ્યો છે જે નંબર પર સંપર્ક કરીને લોકો પોતાના લાપતા પરિજનોની ફરિયાદ કરી શકશે. આ સિવાય એસઆઈટીના અધ્યક્ષ ભરત બસિયા, પીઆઈ મેહુલ ગોંડલીયા, પીઆઈ એસ એમ જાડેજા, પીએસઆઈ ડી સી સાકરીયા અને પીએસઆઈ આર એચ ઝાલાનો પણ નંબર જાહેર કરવામાં આવ્યો છે.

કોંગ્રેસ અને પોલીસની લાપતા લોકો માટેની હેલ્પલાઇનમાં કોઈ ફરિયાદ પેન્ડિંગ નહિ

ઘટના બાદ વિપક્ષની ભૂમિકા ભજવતા કોંગ્રેસે લાપતા લોકોની ભાળ મેળવવા માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો. જેના પગલે પોલીસે પણ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો હતો. ત્યારે કોંગ્રેસની હેલ્પલાઇન નંબરમાં કુલ બે ફરિયાદો મળી હતી. જે મામલે સિવિલ હોસ્પિટલ તંત્રને સાથે રાખીને ફરિયાદનો નિકાલ કરવા ડીએનએ ટેસ્ટ સહીતની જરૂરી કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ ડીએનએ સેમ્પલ મેચ થઇ જતાં તે બંને ફરિયાદનો નિકાલ થઇ ગયો હતો. જયારે પોલીસની હેલ્પલાઇનમાં હજુ સુધી કોઈ ફરિયાદ નહિ મળ્યાનું જાણવા મળી રહ્યું છે.

હજુ કોઈના પરિજન ગુમ હોય તો ડીસીબી પોલીસનો કરી શકાશે સંપર્ક

રાજકોટ અગ્નિકાંડ મામલે પોલીસે અધિકારીઓના નંબર જાહેર કર્યા છે લાપતા લોકોના પરિવારજનોને સંપર્ક કરવા પોલીસે અપીલ કરી છે. લોકો ડીસીબી પોલીસ સ્ટેશનમાં ટેલિફોન નંબર 0281-2444165 પર સંપર્ક કરી શકશે. આ ઉપરાંત પોલીસે એસઆઈટીના અધ્યક્ષ અને ક્રાઇમ બ્રાન્ચ એસીપી ભરત બસિયા, પીઆઈ મેહુલ ગોંડલીયા, પીઆઈ એસ એમ જાડેજા, પીએસઆઈ ડી સી સાકરીયા અને એલસીબી પીએસઆઈ આર એચ ઝાલાનો નંબર જાહેર કર્યો છે. એસઆઈટીના અધ્યક્ષ ભરત બસિયાને 9033690990 પર સંપર્ક કરી શકાશે. જયારે એસઆઈટીના સભ્ય એમ.આર.ગોંડલીયાને 9687654989 પર, પીઆઈ એસ.એમ.જાડેજા 9714900997, પીએસઆઈ આર.એચ.ઝાલા 9825855350, પીએસઆઈ ડી.સી.સાકરીયા 8000040050નો સંપર્ક કરી શકાશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.