- ધોળી ધજા સીવાયના પાંચ ડેમો તળીયા ઝાટક
સુરેન્દ્રનગર જિલ્લાના 11 બંધમાં માત્ર 18% જળજથ્થો, ચોમાસા પૂર્વે સંકટનાં વાદળો ઘેરાયા છે. ધોળીધજાને બાદ કરતા બાકીના 5 ડેમ તળિયાઝાટક અને 3 માં 8 ટકાથી ઓછું પાણી બચ્યું છે. જિલ્લામાં ધરતીપુત્રો પર જાણે આ વર્ષે આફતવર્ષા થઇ છે. ત્રણ મહિનાના ટુંકાગાળામાં 15થી વધુ માવઠાની સાથે કેનાલોમાંથી સિંચાઇ માટેનું પાણી બંધ કરી દેવાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. બાકી હતું તો જિલ્લાના 11 જળાશયોમાં માત્ર 18 ટકા પાણી રહેતા પડતા પર પાટુની સ્થિતિ સર્જાઇ છે. સિંચાઇની સાથે પીવાના પાણી માટે પણ ફાંફા પડી રહ્યા છે. સુરેન્દ્રનગરનો એક માત્ર ધોળીધજા ડેમ નર્મદાના નીરથી ભરેલો છે. બાકીના 5 ડેમ તળિયાઝાટક અને બાકીના 3 માં 8 ટકાથી ઓછું પાણી બચ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓનું પાણીયારૂ તરીકે ઓળખવામાં આવે છે.પરંતુ કુવાકાંઠે તરસ્યાનો ઘાટ સર્જાતો હોય તેમ ગામડાઓમાં ઉનાળાના સમયમાં પીવાના પાણીની વિકટ સ્થિતિસર્જાતી હોય છે. નર્મદાના નીર પણ અપુરતા મળવાને કારણે ગામડાઓમાં કયારેક 15 દિવસે તો કયારેક 30 દિવસે પાણી મળતુ હોય છે.આવા સમયે લોકોની મુશ્કેલી હળવી બને તે માટે જિલ્લામાં જયાં ચોમાસાના સમયમાં નદીમાં પાણીની સારી આવક છે તેવા 11 સ્થળોએ જળાશયો ડેમ બનાવવામાં આવ્યા છે. ધોળીધજા ડેમ એક માત્ર એવો ડેમ છે જેમાં પાણી વરસાદ અને નર્મદાના પાણી બંન્ને આવે છે અને તે સતત ભરેલો રહે છે.
જેમાંથી પાણી લોકોને પીવા માટે જ આપવામાં આવે છે.જયારે બાકીના 10 જળાશયો વરસાદ આધારીત છે. જેટલો વરસાદ પડે તેટલા પ્રમાણમાં ભરાય છે.સુરેન્દ્રનગર-વઢવાણ શહેરની વસતી સાથે વિસ્તાર દિવસે દિવસે વધી રહ્યો છે. તો બીજી તરફ બંને શહેરના તમામ વિસ્તારોના લોકો સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. એક સમયે બંને શહેરમાં 7 દિવસે પાણી વિતરણ કરાતા વાપરવાનું તો એક બાજુ પણ પીવાના પાણી માટે પણ લોકોને સાવચેતી રાખવી પડતી હતી. લોકોને એક બેડા પાણીની પણ કિંમત હતી. જ્યારે અત્યારે ધોળીધજા ડેમ ભર ઉનાળે પણ છલોછલ ભરેલો છે અને આથી સુરેન્દ્રનગરમાં એકાંતરે તેમજ વઢવાણમાં 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યુ છે.