અગાઉ બે વખત 94 પ્લોટની હરાજી અટકી પડ્યા બાદ રાઈડ સંચાલકો આજે જિલ્લા કલેકટરને કરશે રજુઆત
લોકમેળાને આડે હવે માત્ર 18 દિવસ વધ્યા છે. તેવામાં ચુસ્ત નિયમોના વિરોધમાં રાઈડ્સ સંચાલકો અડગ હોવાનું જણાઈ રહ્યું છે. અગાઉ બે વખત 94 પ્લોટની હરાજી અટકી પડ્યા બાદ રાઈડ સંચાલકો આજે જિલ્લા કલેકટરને રજુઆત કરવાના છે.
રાજકોટના રેસકોર્સ મેદાનના દર વર્ષની માફક આ વર્ષે પણ તા 24 થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાનાર છે. આ લોકમેળામાં લાખો લોકો ઉમટી પડી રાઈડ્સ અને ફૂડ તેમજ શોપિંગની મજા માણવાના છે. આ મેળાની તૈયારીઓ હાલ પુરજોશમાં ચાલી રહી છે. પણ રાઈડ્સ સંચાલકો ચુસ્ત નિયમોનો વિરોધ કરી છૂટછાટ આપવાની માંગ કરી રહ્યા છે. લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા અગાઉ બે વખત હરાજી ગોઠવવામાં આવી હતી પણ બન્ને વખત રાઈડ સંચાલકોએ નિયમમાં છૂટછાટ આપવાની માંગ સાથે હરાજીનો બહિષ્કાર કર્યો છે.
એ ખાણીપીણીના 2, બી 1 કોર્નર ખાણીપીણીના 44, ઇ યાંત્રિક આઈટમના 4, એફ યાંત્રિક આઈટમના 3, જી યાંત્રિક આઈટમના 18, એચ યાંત્રિક આઈટમના 6, એક્સ ચોકઠાના 16 સ્ટોલ પ્લોટ મળી કુલ 94 પ્લોટની હરાજીની પ્રક્રિયા બે વાર નિષ્ફળ ગઈ છે.
વેપારીઓએ રાઈડનું ફાઉન્ડેશન, બે પ્લોટના ત્રણ રાઈડની મનાઈ અને જીએસટી સહિતના આકરા નિયમો સામે વિરોધ નોંધાવી હરાજીનો બહિષ્કાર કરી રહ્યા છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ હરાજીમાં તારીખ ઉપર તારીખ પડી રહી છે. જેના કારણે 94 પ્લોટની હરાજી અટકી છે. હવે આજે સાંજે જિલ્લા કલેકટર આ મામલે
રાઈડ સંચાલકોને મળવાના છે. જેમાં તેઓ રાઈડ સંચાલકોની રજૂઆતો સાંભળીને આગળનો નિર્ણય લેશે.