કુલ 30343 વિદ્યાર્થીઓમાંથી માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા: 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની ઉત્તીર્ણ

રાજ્યમાં કોરોનાના કહેરને કારણે  રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. જ્યારે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે ધો.12 વિજ્ઞાન પ્રવાહની રિપીટર વિદ્યાર્થીઓની  પરીક્ષા ગત 15 જુલાઈ એ લેવાઈ હતી. જેમાં આજે ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. 12 સાયંસના 32465 વિદ્યાર્થીઓમાંથી 30343 વિદ્યાર્થીઓ જ પરિક્ષા આપી હતી.માત્ર 4649 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જેમાં 2281 વિદ્યાર્થીઓ અને 2368 વિદ્યાર્થિની છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 32 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં રાજકોટ જિલ્લામાં 910 જેટલા રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં લગભગ 200થી વધુ વિદ્યાર્થીઓ જ પાસ થયા છે જો કે હજુ સતાવાર રીતે રાજકોટ જીલ્લામાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા તેની કોઈ માહિતી મળી નથી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યા મુજબ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા જૂલાઈ મહિનામાં જ લેવાઈ હતી. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પોતાની બેઠક નંબરના આધારે પરિણામ જોઈ શકશે. આ પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે શાળાઓમાં માર્કશીટ મોકલવાની જાહેરાત પાછળથી કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર result.gseb.org પર જઈને પોતાનો સીટ નંબર નાંખવો પડશે. જે બાદ જ તેઓ પોતાનું પરિણામ જોઈ શકશે.

એ ગ્રૂપમાં સૌથી વધુ 1130 વિદ્યાર્થીઓ પાસ થયા

A ગ્રુપમાં 7777 વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હતી જેની સામે 1130 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં 1425 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 297 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. B ગ્રુપમાં 9554 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1151 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. જ્યારે B ગ્રુપની 11578 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2071 વિદ્યાર્થીનીઓ પાસ થઈ છે. AB ગ્રુપના 6 વિદ્યાર્થી અને 3 વિદ્યાર્થિની હતી જેમાંથી એક પણ પાસ થયા નથી .B કરતા A ગ્રુપનું પરિણામ વધુ છે. તે ઉપરાંત વિદ્યાર્થીઓને 20 ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવેલ છે. જેમાં પાસ થનારની સંખ્યા માત્ર 9 છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.