કોરોના કાળથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો: એસ.ઓ.જી. એ દરોડા પાડી રૂ. 20835 નો મુદામાલ કબ્જે
વિછીંયા તાલુકાના ગોરૈયા ગામે ભાડાના મકાનમાં કોરોનાથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ધો. 10 પાસ વિપ્ર યુવાનને એસ.ઓ.જી. એ ઝડપી લઇ રૂ. 20,835 ના મેડીકલ સાધનો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ રાજકોટ જીલ્લામાં ડિગ્રી વગરના ગેરકાયદે ધમધમતા કલીનીકો પર તૂટી પડવા એસ.પી. જયપાલસિંહ રાઠોડે આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી. ના પી.આઇ. જાડેજાને સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.
વિછીંયા તાલુકના ગોરૈયા ગામે રહેતા વિજય હરીભાઇ દવે નામના યુવાન ભાડાના મકાનમાં ડિગ્રી વગર કલીનીક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની હેડ કોન્સ્ટેબલ હિતેશભાઇ એ. અગ્રાવતને મળેલી બાતમીના આધારે પી.એસ.આઇ. ભાનુભાઇ મિયાત્રા અને સ્ટાફ રણજીતભાઇ સહીતના સ્ટાફે દરોડો પાડયો હતો.
કલીનીકમાંથી મેડીકલ સાધનો, દવા અને રોકડા મળી રૂ. 20,835 નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા મુન્નાભાઇ એમ.બી.બી.એસ. ની પ્રાથમિક પુછપરછમાં ધો. 10 પાસ છે અને કોરોનાના કાળથી છેલ્લા ત્રણ વષથી ચલાવતો હોવાની કબુલાત આપી છે.