700 શિક્ષકની અછત: ગત માસમાં કુલ 30 શિક્ષકો નિવૃત થયા
રાજકોટ સહિત રાજ્યભરમાં નવું સત્ર સોમવારથી શરૂ થઇ ગયું છે ત્યારે ખાનગી શાળાઓની સરખામણીમાં સરકારી શાળાઓમાં હજુ વિદ્યાર્થીઓની સંખ્યા પહેલા દિવસે ઓછી રહી હતી. રાજકોટ જિલ્લા હેઠળ આવતા 11 તાલુકાની સરકારી શાળાઓમાં 58% વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને માત્ર 42% જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
બીજી બાજુ નવું સત્ર શરૂ થયાને પ્રથમ દિવસે જ જિલ્લામાં 170 જેટલા શિક્ષક પણ ગેરહાજર રહ્યા હતા.
રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં હજુ 700 જેટલા શિક્ષકની અછત પ્રવર્તી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને પણ અસર પડી રહી છે ત્યારે બીજી બાજુ રાજકોટ જિલ્લામાં 17 શાળા એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષકથી શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે એટલે કે આ 17 શાળામાં તમામ વિષયના શિક્ષક માત્ર એક જ હોવાનું બહાર આવ્યું છે.
સોમવારથી શરૂ થયેલા નવા સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીના જે આંકડા જાહેર થયા છે તેમાં 11 તાલુકાના કુલ 1,10,322 વિદ્યાર્થીમાંથી 46,657 વિદ્યાર્થી હાજર અને 63,665 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. જ્યારે 4861 શિક્ષકમાંથી પ્રથમ દિવસે 170 શિક્ષક ગેરહાજર રહ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.સરડવાએ જણાવ્યું હતું.