જુન, જુલાઈ અને ઓગસ્ટ માસ દરમિયાન બેન્કમાં રૂબરૂ ખરાઈ પણ કરાવી શકાશે
પેન્શન ચુકવણા કચેરી રાજકોટ દ્વારા પેન્શન મેળવતા સર્વે પેન્શનરોએ વાર્ષિક હયાતીની કરવાની થતી વર્ષ ૨૦૨૦-૨૧ની ખરાઇ પહેલી જુન પછી ત્રણ માસ દરમિયાન એટલે કે જુન, જુલાઇ અને ઓગષ્ટ માસ દરમિયાન જે બેન્ક મારફત પેન્શન મેળવતા હોઇ તે બેન્કમાં રૂબરૂ જઇને કરાવી શકાશે. જે પેન્શનરોને જીવન પ્રમાણ પોર્ટલ www. jeevanpramaan.gov.inપરથી ઓનલાઇન ખરાઇ કરાવવી હોય તો તે સુવિધા પણ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.
પેન્શન ચૂકવણા કચેરી મારફત પેન્શન મેળવતા કુટુંબ પેન્શનરોએ પુન: લગ્ન નહી કર્યા અંગેનું પ્રમાણપત્ર સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત કરાવી પેન્શન ચૂકવણા કચેરીને સમયમર્યાદામાં પોસ્ટ દ્વારા મોકલી આપવું. તેમજ પ૦ વર્ષથી વધુ ઉમરના સ્ત્રી કુટુંબ પેન્શનરોએ આવા પ્રમાણપત્ર આપવામાંથી મુકિત આપવામાં આવે છે.
જે પેન્શનરોની પેન્શનની આવક આવકવેરાને પાત્ર થતી હોય તેઓએ વર્ષ૨૦૨૦-૨૧ માટે કરવાનું થતું સંભવીત રોકાણો અંગેની વિગતો દર્શાવતી માહિતી રાજકોટ તિજોરી કચેરીને તા.૧૦મી જુન સુધીમાં મળી જાય તે રીતે પેન્શન ચૂકવણા કચેરીને પોસ્ટથી અથવા ઇ-મેઇલ to-ppo-rajgujarat.gov.in પર મોકલી આપવાની રહેશે.
પેન્શન અંગેના વાર્ષિક આવક પ્રમાણપત્રો તેમજ અન્ય વિગતો રૂબરૂ મેળવવાને બદલે સરકારના પેન્શન પોર્ટલ http://cybertreasury.gujarat.gov.in પરથી ઘર બેઠા મેળવી શકાશે. આ માટે પેન્શનરોએ યુઝર આઇ.ડી.માં પોતાનો બેન્કનો ખાતા નંબર અને પાસવર્ડમાં પી.પી.ઓ. નંબર નોંધવાનો રહેશે તેમ પેન્શન ચૂકવણા કચેરીના તિજોરી અધિકારી વિ. સી. ગઢવીની યાદીમાં જણાવાયું છે.