બુક માય શો વેબસાઇટ અને એપ પરથી ટિકિટ બૂકીંગ કરી શકાશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે આગામી 7મી જાન્યુઆરીએ રમાનારી ટી-20 મેચ માટે શુક્રવારથી બે દિવસ ઓનલાઇન ટિકિટનું વેંચાણ કરવામાં આવશે. ટિકિટ બારી ખોલી ટિકિટનું વેંચાણ ન કરવામાં આવે તેવી શક્યતા જણાય રહી છે. ખંઢેરી ખાતે આગામી 7મી જાન્યુઆરીએ રમાનારી શ્રીલંકા સામેની મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.
હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે. બન્ને ટીમો 6 જાન્યુઆરીના રોજ રાજકોટ આવી પહોંચશે. ખંઢેરીમાં છેલ્લી મેચ 17મી જૂન-2022ના રોજ રમાય હતી. જેમાં સાઉથ આફ્રિકા સામેની મેચમાં ભારતની જીત થઇ હતી. 7મીએ ફરી રાજકોટમાં ક્રિકેટનો રોમાંચ જામશે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 મેચ માટે 30 અને 31મી ડિસેમ્બરના રોજ બૂક માય શોની વેબસાઇટ અને મોબાઇલ એપ પરથી ટિકિટનું વેંચાણ શરૂ કરાશે.
શ્રીલંકા સામેની ટી-20 મેચમાં સુકાની હાર્દિક પંડ્યા ઉપરાંત ઇશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, સુર્ય કુમાર યાદવ, દિપક હુડ્ડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સેમસંગ, વોશીંગ્ટન સુંદર, યજુર્વેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અક્ષરદિપ સિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલીક, શિવમ માવી અને મુકેશ કુમારનો સમાવેશ કરાયો છે.