લોકસભાની ચૂંટણી પૂર્વે પોલીસે બુટલેગરો પર ધોસ બોલાવી પોતાની કમાણી બંધ કરી વાહ વાહ મેળવી પણ આઇપીએલ ટૂર્નામેન્ટના સટ્ટાના બુકીઓએ બુટલેગરો કરતા પોલીસને વધુ કમાણી કરાવશે પંટરો પાસેથી ઉઘરાણી વસુલ કરવા બુકીઓએ રિચાર્જ સિસ્ટમ બનાવી બેલેન્સ હોય ત્યાં સુધી જ સટ્ટો રમી શકે

લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજયભરની પોલીસે બુટલેગરો પર ધોસ બોલાવી વિદેશી દારૂની અછત સર્જી દીધી છે. દારૂના ધંધાર્થીઓ પાસેથી દર મહીને કરોડોની કમાણી કરી લેતા પોલીસ સ્ટાફે બુટલેગરો પાસેથી હપ્તો લેવાનું બંધ કર્યુ હોય તેમ દારૂબંધીનો કડક રીતે અમલ કરાવવાનું શરૂ કર્યુ છે. હોવા છતાં પોલીસના બેનંબરની આવકમાં વધારો થયાનું સુત્રો કહી રહ્યા છે. બુટલેગરોની આવક બંધ થઇ તેની સામે પોલીસને આઇપીએલ સટ્ટાની આવક શરૂ થઇ છે. બુકીઓની આવક બુટલેગરો પાસેથી મળતા હપ્તા કરતા અનેક ગણી વધુ હોવા ગણાવવામાં આવી રહી છે.

ભેજાબાજ બુકીઓએ આઇપીએલમાં તગડી કમાણી કરવા ઓન લાઇન ઓન વે સટ્ટાબાજી શરૂ કરી છે. મેચ શરૂ થાય તે પૂર્વે ફોર વ્હીલમાં ડ્રાઇવર અને લેપટોપ પર ભાવ લખી શકે તેવો માણસ સાથે કાર લઇ હાઇ-વે પર જતા રહેતા હોવાથી બુકીનો કોઇ પત્તો ન મળે, ઓન વે ઓન લાઇન સટ્ટો રમાડવાનું શરૂ કરવામાં આવે છે. મેચ પુરો થાય ત્યાં સુધીમાં બુકી પરત પોતાના નિવાસ સ્થાન સુધી પહોચી જતા હોય છે.

બુકીઓ ઓન લાઇન સટ્ટો રમાડવા માટે ડમી નામે ખરીદ કરેલા સીમ કાર્ડ સાદા મોબાઇલમાં લોડ કરી રમાડતા હોય છે. અને તમામ પંટરના નામના કોર્ડવર્ડ લેપટોપમાં લખી તેની સામે ભાવ લખવામાં આવે છે.

ટીવી વિના જ ઓન લાઇન મેચનો સ્કોર ઇન્ટરનેટની મદદથી મેળવી શકાય છે. તેમાં ક્રિકેટ લાઇવ, ક્રિક બુઝ, ક્રિક ઇન્ફો અને લાઇવ સ્કોરની મદદથી મેચનો સ્કોર મેળવી સટ્ટો રમાડવો શકય બનતા પોલીસને પણ સટ્ટાબાજોને પકડવા મુશ્કેલ બન્યા છે.

પોલીસથી એક સ્ટેપ આગળ ચાપતા બુકીઓએ ઉઘરાણીની પતાવટ સરળતાથી થઇ શકે તે માટે વેબસાઇડ બનાવી તેમાં જુદા જુદા આઇડી બનાવવામાં આવ્યા છે. સટ્ટો રમતા પંટરોને આઇડી આપવામાં આવે છે, આઇડી માટે એડવાન્સ રકમ વસુલ કરીને આઇડી આપતા બુકીઓ રિચાર્જ સિસ્ટમની જેમ પંટરોની લિમીટ નક્કી કરવામાં આવે છે.

આઇડીની રકમ પુરી થયા એટલે તેને સટ્ટો રમાડવાનું બંધ કરવામાં આવતું હોવાથી પંટરોને સટ્ટો રમવા માટે ફરી એડવાન્સ રિચાર્જ કરવું પડતું હોવાથી સટ્ટાની ઉઘરાણીની પતાવટ પણ સરળ બની ગઇ છે.

આમ છતાં બુકીઓએ પોલીસ સ્ટાફને સાચવો જ પડતો હોય છે અને આઇપીએલ ટૂર્નામેન્ટ દરમિયાન મોઢે માગ્યો હપ્તો ચુકવો પડતો હોવાનું સુત્રોએ કહી દારૂબંધીનો કડક અમલ કરાવી પોતાની કમાણી ગુમાવનાર પોલીસે આઇપીએલમાંથી વસુલ કરી લેશે તેમ જણાવ્યું છે.

આઈપીએલની સાથે ક્રિકેટ સટ્ટા મોસમ શરૂ  શાસ્ત્રીનગરમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

ટીવી, મોબાઈલ અને રોકડ કબ્જે: કપાત કયાં આપતો ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી તપાસ

આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ શ‚ થતાંની સાથે જ ક્રિકેટ સટ્ટાની બુકીઓ સટાસટી શરૂ કરતા હોય તેમ શાસ્ત્રીનગરમાં ચાલતા ક્રિકેટ સટ્ટા પર ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી મુખ્ય બુકીને ઝડપી લેવા કપાત કયાં કરાવતો તે અંગેની પુછપરછ હાથ ધરી છે. પોલીસે ટીવી, મોબાઈલ અને રોકડ મળી રૂ.૨૪૨૬૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. નાના મવા રોડ પર આવેલ શાસ્ત્રીનગર બ્લોક નં.ઈ-૩૮૩માં આઈપીએલની મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાતી લીગ મેચમાં સટ્ટો રમાતી હોવાની બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ.ગઢવી, પીએસઆઈ એચ.બી.ધાંધલીયા, હેડ કોન્સ. સામતભાઈ ગઢવી, રાજેશભાઈ બાળા, રઘુવીરસિંહ વાળા, ડાયાભાઈ બાવળીયા અને સિધ્ધરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે શાસ્ત્રીનગરમાં ક્રિકેટ સટ્ટા અંગે દરોડો પાડી નવા રીંગ રોડ પર આવેલા હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતા અમરજીતસિંહ કિરીટસિંહ જાડેજા નામના શખ્સની ધરપકડ કરી મોબાઈલ, ટીવી, સેટઅપ બોકસ અને રોકડ સાથે રૂ.૨૪૨૬૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.

અમરજીતસિંહ જાડેજા ક્રિકેટ સટ્ટાનું બેટીંગ લઈ કપાત કોને કરાવતો તે અંગેની પુછપરછ હાથ ધરી છે. શહેરમાં આઈપીએલની સિઝનની સાથે જ ક્રિકેટ સટ્ટો રમાડતા બુકિઓ બીલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા હોય છે તેમ ક્રાઈમ બ્રાંચે ટૂર્નામેન્ટની શરૂઆતની સાથે જ સટ્ટો રમાડવાનું શરૂ કરનાર પ્રથમ બુકી ઝડપી સટ્ટાના મુળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.