યુવકના ખાતામાંથી બે વખત રૂપિયા ટ્રાન્સફર થયાની ફરિયાદ
જુનાગઢનાં ટીંબાવાડીમાં રહેતા વધુ એક ગ્રાહકના બેન્ક ખાતામાંથી તેની જાણ બહાર ૧૪ હજાર રૂપિયા ઉપડી ગયા છે. અગાઉ આવી અનેક ઘટના બની અને ફરિયાદો પણ થઈ છતાં હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરનાં ટીંબાવાડીમાં પટેલ સમાજ પાસે ચિત્રલેખા એપાર્ટમેન્ટમાં રહેતા નિતીનભાઈ દુર્લભજીભાઈ દવે (ઉ.વ.૫૮)નું કૃષિ યુનિ.કેમ્પસમાં આવેલી એસબીઆઈ બેંકમાં ખાતું આવેલું છે.
ગત તા.૨નાં તેની જાણ બહાર કોઈ અજાણ્યા શખ્સે કોમ્પ્યુટર સ્ત્રોત દ્વારા પહેલી વખત ૧૦ હજાર તથા બીજી વખત ચાર હજાર મળી કુલ ૧૪ હજાર રૂપિયા ઉપાડી લઈ ઓનલાઈન ઠગાઈ કરી હતી. આ અંગે જાણ થતા નિતીનભાઈએ બેંકમાં તથા પોલીસને અરજી આપી હતી. આ મામલે સી ડિવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એસઓજીને સોંપાઈ છે.
અગાઉ જુનાગઢમાં એક ડઝનથી વધુ ગ્રાહકો સાથે આવી રીતે ઠગાઈ થઈ છે તે મોટાભાગના એસબીઆઈ બેન્કના ગ્રાહકો છે. ફરિયાદો પણ થઈ છે પરંતુ હજુ સુધી બેન્ક કે પોલીસ છ પૈસા ઉપાડી લેનાર શખ્સો સુધી નથી પહોંચી શકી આ બાબતથી અનેક સવાલો ઉઠી રહ્યા છે.