શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાહિત્યકાર સાંઈરામ દવે સહિતના શ્રેષ્ઠીઓના જ્ઞાનનો લાભ લેવાનો અવસર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોનાની મહામારીના આ કપરા સમયમાં વિદ્યાર્થીઓને સમયનો સદઉપયોગ થાય અને વિદ્યાર્થીઓનું મનોબળ વધે તેવા શુભ હેતુથી એક અનોખી નવી પહેલ શરૂ કરવાનો વિચાર કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણીના માર્ગદર્શન હેઠળ સિન્ડીકેટ સભ્ય ડો.મેહુલભાઈ રૂપાણી તથા તમામ સિન્ડીકેટ સભ્ય સહિયારા પ્રયાસથી યુનિ.ના ફેસબુક પેઈજ પરથી વ્યાખ્યાનમાળા શરૂ કરવાનો શુભ વિચાર કરવામાં આવેલ છે.
સૌ.યુનિ. દ્વારા આગામી તા.૨૧ થી તા.૧૫ મે સુધી સૌ.યુનિ.ના ઓફીસીયલ ફેસબુક પેઈજ પરથી અનેક સંતો, નામાંકિત લેખકો, સાહિત્યકારો, લોકગાયકો, હાસ્યકારો અને ચિંતકોના વ્યાખ્યાનમાળાની શરૂઆત કરવામાં આવનાર છે. જેમાં દરરોજ સાંજે ૬ કલાકે આ વ્યાખ્યાનમાળા ઓનલાઈન રજૂ કરવામાં આવશે. આ વ્યાખ્યાન માળામાં સૌ પ્રથમ આગામી તા.૨૧ ના રોજ વિશ્ર્વ વંદનીય સંત પૂ. મોરારીબાપુના આશિર્વાદથી સૌ.યુનિ.ના ફેસબુક પેઈજ પરથી આ કાર્યક્રમ શરૂ થશે. પ.પૂ. મોરારીબાપુ સાંજે ૬ કલાકે વિદ્યાર્થીઓને સંબોધન કરશે. ત્યારબાદ આ વ્યાખ્યાનમાળામાં ક્રમશ: પ્રખર ભાગવતાચાર્ય પ.પૂ. રમેશભાઈ ઓઝા, ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, લેખક અને વકતા જય વસાવડા, કાઝળ ઓઝા વૈધ, સાઈરામ દવે, ડો. શરદ ઠાકર, અંકિત ત્રિવેદી, ડો.જગદીશ ત્રિવેદી, માયાભાઈ આહિર, આ.જે. દેવકી સહિતના વિદ્યાર્થીઓને સંબોધન કરશે.