‘સ્કવેર યાર્ડ’એ મંદી વચ્ચે જાન્યુઆરીથી માર્ચમાં ૩૫ ટકા ઉછાળા સાથે ૮૩.૬ કરોડનો ‘વેપલો’ કર્યો

ઓનલાઈન બ્રોકરેજ પ્લેટફોર્મ તરીકે ચાલતા સ્કવેર યાર્ડે ૪૩૦૦ પ્રોપર્ટીના વ્યવહારો કરી ૨૯૮ કરોડ રૂપિયાની આવક ઉભી કરી

સમગ્ર ભારતમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રિયલ એસ્ટેટ ક્ષેત્રને તેની માઠી અસરનો પણ સામનો કરવો પડયો હોય તેવું લાગે છે ત્યારે દેશમાં આવેલી સ્કવેર યાર્ડ એજન્સીએ જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં ૩૫ ટકાનાં ઉછાળા સાથે ૮૩.૬ કરોડ વેપલો કર્યો છે અને ઓનલાઈન પ્લેટફોર્મ પર રિયલ એસ્ટેટ ધમધમ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઓનલાઈન બ્રોકરેજ પ્લેટફોર્મ તરીકે ચાલતા સ્કવેર યાર્ડે ૪૩૦૦ પ્રોપર્ટીનાં વ્યવહારો કરી ૨૯૮ કરોડ રૂ પિયાની રેવન્યુ જનરેટ કરી હોવાનું પણ સામે આવ્યું છે. હાલનાં તબકકે જે કોરોનાને લઈ લોકડાઉનની સ્થિતિ જોવા મળી છે તેનાથી તમામ ધંધા-રોજગારો બંધ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ જે રીતે સ્કવેર યાર્ડ બ્રોકરેજ કંપનીએ આ કપરા સમયમાં જે વેપલો કર્યો છે તે ખરાઅર્થમાં સરાહનીય છે.

માર્ચ મહિનામાં સ્કવેર યાર્ડ કંપનીએ ૧૦ ટકાનાં ગ્રોથ સાથે ધંધો કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. બ્રોકરેજ કંપનીનાં સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ તેમની કંપની ડિજિટલ સોલ્યુશન આપી રહ્યું છે. રીયલ એસ્ટેટ ક્ષેત્રનું પ્રભુત્વ અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. નાણાકિય વર્ષ ૨૦૨૧ માટે જે વિકાસને અવિરત દોડતો કરવા જે લક્ષ્ય સાધવામાં આવ્યું છે તેમાં ૮૦ ટકા જેટલું ડેવલોપમેન્ટ થયું હોવાનું પણ સામે આવ્યું છે જે અંગે સ્કવેર યાર્ડ કંપનીનાં ફાઉન્ડર અને સીઈઓ તનુજ સોરીએ જણાવ્યું હતું. સ્કવેર યાર્ડ કંપની દ્વારા ૬ હજાર કરોડ રૂ પિયાનું ગ્રોસ ટ્રાન્ઝેકશન ૧૫,૫૦૦ પ્રોપર્ટીનાં વ્યવહારોમાં નાણાકિય વર્ષ દરમિયાન કરવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં કંપનીએ ૪૭ ટકાનો ગ્રોથ મેળવ્યો છે અને કંપની ૨૨૭.૫ કરોડની રેવન્યુ સુધી પહોંચી હોવાનું પણ જાણવામાં આવી રહ્યું છે.

ગત પાંચ વર્ષની સરખામણીમાં કંપની માટે આ ત્રીજુ સૌથી નફાયુકત ત્રિમાસિક ગાળો હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે હાલ જે કોરોનાને લઈ લોકડાઉનની સ્થિતિનું નિર્માણ થયું છે તેમ છતાં બ્રોકરેજ પ્લેટફોર્મ સ્કવેર યાર્ડને કોઈ પ્રકારનો ફેર પડયો ન હોય તેવું ચિત્ર પણ સ્પષ્ટ થાય છે. નામાંકિત ૫ ડેવલોપરોની વચ્ચે જ આ ક્ષેત્રમાં ૩૩ ટકાનું યોગદાન આપ્યું હોવાનું સામે આવતા મુખ્ય વિસ્તારો જેવા કે નોઈડા, પુના, મુંબઈ, દુબઈ અને ગુંડગાવ સૌથી વધુ યોગદાન આપ્યું હોવાનું કંપનીનાં સંપર્ક સુત્ર દ્વારા જાણવામાં આવે છે. સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સ્કવેર યાર્ડ કંપની માટે એપ્રિલ માસ અત્યંત ઉપયોગી અને કારગત નિવડશે તેવું પણ ચિત્ર હાલ સ્પષ્ટ થઈ રહ્યું છે. ગત સપ્ટેમ્બર માસમાં રિયલ એસ્ટેટ ડિજિટલ બ્રોકરેજ ૨૦ મિલિયન ડોલર સુધી આગળ આવ્યું હતું જેમાં ટાઈમ્સ ગ્રુપ, ગેનકાઈ કેપિટલ દ્વારા પણ આ સમયગાળામાં રોકાણ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.