ગુજરાત આઈટી વિભાગ દ્વારા ઓનલાઈન ગ્રીવન્સ રેડ્રેસલ ફેસીલીટી લોન્ચ; કરદાતાઓ ફોર્મ ભરી આવકવેરાને લગતા પ્રશ્ર્નો જણાવી શકશે
આજના ટેકનોલોજીકલ યુગમાં નવી નવી અધતન પધ્ધતિઓ વિકસતા માનવ જીવન સરળ બન્યું છે. ટેકનોલોજીમાં થતો ઝડપી વિકાસ આગવી શૈલીની ઓળખ છે. લગભગ તમામક્ષેત્રે ઓનલાઈન પ્રક્રિયા થઈ ગઈ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ડીજીટલ ઈન્ડીયા’ના પ્રોજેકટ અંતર્ગત આ પ્રક્રિયાઓને વીગ પણ મળ્યો છે. ત્યારે હવે ગુજરાત આવકવેરા વિભાગને પણ ડીજીટલનો રંગ લાગ્યો છે.
તાજેતરમાં ગુજરાત આવકવેરા વિભાગે ઓનલાઈન ગ્રીવન્સ રેડ્રેસલ ફેસીલીટી લોન્ચ કરી છે. જે થકી આવકવેરાને લગતા નાના મોટા કામો હવે ઘર બેઠા જ થઈ જશે અને કચેરીએ ધકકા ખાવા નહિ પડે. ગુજરાત આઈટી વિભાગની આ ઓનલાઈન ગ્રીવન્સ રેડ્રેસલ ફેસીલીટીથી કરદાતાઓ આઈટી ગુજરાતની વેબસાઈટની મુલાકાત લઈ પોતાની ફરિયાદ કે કોઈ પ્રશ્ર્નો મૂકી શકશે. આવકવેરા રિફંડ, સુધારા વધારા જેવી બાબતોને લઈ કરદાતાઓ પોતાના પ્રશ્ર્નો પૂછી શકશે.
ગુજરાત ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર આ ઓનલાઈન ફેસીલીટીને લઈ એક ફોર્મ મૂકાયું છે. જેમાં કરદાતાઓ આવકવેરાને લઈ પ્રશ્ર્નો જણાવી શકશે અને તેમાં માંગેલી માહિતી આપી ફોર્મ ભરી સબમીટ કરવાનું રહેશે. આ માટે દરેક કરદાતાને એક યુનીક ગ્રીવન્સ આઈડી મળશે. કરદાતાઓએ કરેલા પ્રશ્ર્નોની નોંધ આવકવેરા વિભાગના અધિકારીઓ લેશે અને નિયત સમયમાં તેમના પ્રશ્ર્નો ઉકેલવા પ્રયત્નશીલરહેશે આ સમગ્ર પ્રક્રિયાનું નિયંત્રણ ગુજરાત આઈટી મુખ્ય કમિશ્નર કરશે.