‘બ્લુ વેલ’ નામની ઓનલાઈન ગેમની ચેલેન્જ પૂરી કરવા બિલ્ડીંગ ઉપરથી છલાંગ લગાવનર કિશોરનું મૃત્યુ
હાલ બાળકો અને ટીનએજર્સમાં ઓનલાઈન ગેમીંગનું વળગણ સમાજ માટે લાલબતી સમાન છે. ઓનલાઈન ગેમીંગનું એડીકશન બાળકો માટે આત્મઘાતી બની રહ્યું છે. તાજેતરમાં જ મુંબઈમાં ‘ધી બ્લુ વેલ’ નામની ઓનલાઈન ગેમનું આંધળુ અનુકરણ કરી ૧૪ વર્ષનાં બાળકે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે.
આ ગેમ હેઠળ ૫૦ ચેલેન્જ પુરી કરવાની હોય છે. જેના પૂરાવા દરરોજ ઓનલાઈન મૂકવા પડે છે. નવયુવાનોને આ ગેમ ખૂબજ રોમાંચક લાગી રહી છે. મુંબઈમાં મનપ્રીત નામના કિશોરે આવી ચેલેન્જ પુરી કરવા અંધેરીના બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી જેમાં ગંભીર ઈજા પહોચતા તેનું મોત નિપજયું છે.
પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. મૃતક કિશોરના લેપટોપ, મોબાઈલ સહિતના ગેજેટની તપાસ થઈ રહી છે. મૃતકે પોસ્ટ કરેલી સેલ્ફી અને સોશ્યલ મીડીયા પોસ્ટ ઉપર પણ પોલીસની નજર છે. અંધેરીના શેર એ પંજાબ સોસાયટીની બિલ્ડીંગ પરથી મનપ્રીતે છલાંગ લગાવી હતી આ ઘટના પહેલા પડોશીઓએ કિશોરને ચેતવ્યો હતો.
હાલ ડીજીટલાઈઝેશનની સાથોસાથ અનેક દુષણો સમજામા પ્રવેશી ચૂકયા છે. ઈન્ટરનેટને મનોરંજનનું માધ્યમ ગણી અનેક યુવાનો ગેમીંગ અને સોશ્યલ મીડીયા પાછળ ઘેલા બન્યા છે. ધીમેધીમે તેનું એડીકશન થાય છે જે સમાજ માટે ઘાતક નિવડે છે.