કેશોદ, જય વિરાણી:
આજના 21મી સદીના આધુનિક યુગમાં દરેક સેવા ઓનલાઈન મળતી થઈ છે. પણ સિક્કાની બે બાજુની જેમ ઘણા આનો ગેરલાભ પણ ઉઠાવે છે. એમાં પણ ડિજિટલ ઉપકરણોનો વ્યાપ વિસ્તાર વધતાં જુગારીઓ પણ આનો ઉપયોગ કરી ગેરકાયદે પ્રવૃતિઓમાં સપડાયા છે. ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી મોબાઇલના માધ્યમથી ગ્રૃપ બનાવી લુડો નામની ગેમમાં જુગાર રમવાનો ક્રેઝ વધ્યો છે ત્યારે કેશોદમાં પણ આવો બનાવ સામે આવ્યો છે.
લુડો ગેમમાં આઇ.ડી. નંબર બનાવી જે આઇ.ડી. અન્ય ગૃપમાં આપ-લે કરી પૈસાની બોલી લગાવી જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરતા ચાર ઇસમોની ધરપકડ કેશોદ પોલીસે કરી છે. રૂ.૫૨,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડી કેશોદ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિંદર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક વાસમસેટ્ટીની સુચનાથી પો.સ્ટે વિસ્તારમાં ચાલતા ગેર કાયદેશ કામો કરતા ઇસમો પર સખત કાર્યવાહી કરવા સુચના થયેલ હોય જે અનુસાર નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવી, કેશોદ પો. સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરન.બી.ચૌહાણના ધ્યાને આવેલ કે હાલ થોડા સમયથી કેશોદ પો.સ્ટે. વિસ્તારમાં અમુક ઇસમો ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી મોબાઇલના માધ્યમથી ગ્રૃપ બનાવી લુડો નામની ગેમમાં આઇ.ડી. નંબર બનાવી જે આઇ.ડી. અન્ય ગૃપમાં આપ-લે કરી લુડો ગેમ ઉપર પૈસાની ગૃપમાં બોલી લગાવી જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરે છે.
જે અનુંસંધાને આ બાબતે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણ સહિતના સ્ટાફને બોલાવી આવા ઇસમો પર સખત કાર્યવાહી કરી. પોલીસે આરોપી સલીમભાઇ મુસાભાઇ સીડા, જયદીપભાઇ જયંતીભાઇ સોલંકી, મેરામણભાઇ સેજાભાઇ ગરચર અને પ્રકાશભાઇ ઉર્ફે પકો રવજીભાઇ નસીતની અટકાયત કરી છે. રૂ.૧૨૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૭ જેની કિ.રૂ.૪૦૦૦૦/- મળી કુલ રૂ.૫૨,૫૦૦/- ના મુદામાલ સાથે પકડાઈ જઇ ગુન્હો કરતા કેશોદ પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં.૧૧૨૦૩૦૩૦૨૧૦૬૫૨/૨૦૨૧ જુ.ધા.કલમ ૧૨ મુજબ ગુન્હો રજી.કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.