- લાલચ બુરી બલા હૈં…
- ‘ભારતીય બિઝનેસમેનનું મોત થયું છે અને તેના નામે 75 લાખ ડોલરની એફડી છે, જે તમારી થઇ શકે છે’ કહી વેપારીને ડબ્બામાં ઉતારી દીધા
લાલચ બુરી બલા હૈં… આ કહેવત વધુ એકવાર સાચી પડી છે. બનાવ રાજકોટના એક વેપારી સાથે બન્યો છે. જેમાં એક બેંક એકાઉન્ટમાં અબજો રૂપિયા પડ્યા હપય અને એકાઉન્ટ હોલ્ડરનું મોત નીપજ્યું હોય જેથી આ રકમ વેપારીના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાની લાલચ આપી બેંક કર્મચારીની ઓળખ આપી વેપારી સાથે રૂ. 16 લાખની ઓનલાઇન છેતરપિંડી આચરી લીધાનો બનાવ સાયબર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયો છે.
સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ શહેરના કોઠારીયા રોડ પર રહેતા આંઉં ઓનલાઇન ટ્રેડિંગનું કામકાજ કરતા 40 વર્ષીય યુવાન નિલેશભાઈ વલ્લભભાઈ પટેલે ફરિયાદમાં આપવીતી જણાવી છે કે, ગત તા. 24 જુલાઈ 2023ના રોજ ફેસબુકમાં નતાશા મિત્રા નામના પ્રોફાઈલમાંથી મેસેજ આવ્યો હતો કે, ’આઈ હેવ સમથિંગ સ્પેશ્યલ ફોર યુ, સેન્ડ ઈન્ટરેસ્ટેડ ટુ માય ઇમેઇલ આઈડી.’ જે બાદ આ એકાઉન્ટમાંથી આપવામાં આવેલા ઇમેઇલ આઇડીમાં ભોગ બનનારે ઇમેઇલ વ્યવહાર શરૂ કર્યો હતો.
ઇમેઇલમાં સામાપક્ષની વ્યક્તિએ પોતાની ઓળખ અમેરિકાની એનવાયસીબી બેંકના ચીફ એડમીન ઓફિસર તરીકેની આપી હતી અને બેન્કનું ઓળખ કાર્ડ બેંક સર્ટિફિકેટ પણ મોકલ્યા હતા. આ વ્યક્તિએ ઇમેઇલ મારફત જણાવ્યું હતું કે, એક ભારતીય બિઝનેશમેનનું મૃત્યુ થયું છે. જેના નામની 7500000 ડોલરની એફ.ડી. હોય અને મૃતકનો કોઈ વાલી વારસો ન હોય આ રકમ તેઓ ભોગ બનનારના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકે છે.
આ રકમ મેળવવા માટે ભોગ બનનારે મૃતકનો વારસદાર બનવું પડશે અને તેના માટે વિધિ કરવી પડશે તેમજ વકીલ રાખવો પડશે. જેના માટે તમારે રૂપિયા ભરવા પડશે. ઉપરાંત જે રકમ છૂટે તેમાંથી 60% સામાપક્ષની વ્યક્તિના અને 40% ભોગ બનનારને આપવામાં આવશે એવી શરતો મુકવામાં આવી હતી.
આ શરતો માનીને ભોગ બનનારે કટકે કટકે કુલ 9 ટ્રાંઝેક્શન મારફત કુલ રૂ. 16,15,820 ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ વધુ 20 લાખ રૂપિયાની માંગણી કરતા વેપારીને પોતે છેતરાઈ ગયાનું જાણવા મળતા ભોગ બનનારે સીઆઈડી ક્રાઇમ – ગાંધીનગરની હેલ્પલાઇન કોલ કરી અરજી નોંધાવી હતી. હાલ આ મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.
ઓનલાઇન ચારધામ યાત્રાની ટુર બુક કરવા જતાં વૃદ્ધ સાથે રૂ.6.66 લાખની છેતરપિંડી
અન્ય એક બનાવમાં ગોંડલ રોડ પર દોશી હોસ્પિટલ નજીક રહેતા નિવૃત વૃદ્ધ પ્રદીપભાઈ રાવલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે નિવૃત હોય ચારધામ યાત્રા પર જવું હોય તે બાબતે ઓનલાઈન સર્ચ કરતા અતિથિ ટ્રીપ હોલીડેઝ નામની ટુર્સ કંપની જોવા મળી હતી. જેમાં કોન્ટેક્ટ પર્સન તરીકે પ્રવીણ શર્માનો નંબર આપવામાં આવેલો હતો. આ નંબર પર ભોગ બનનારે કોલ કરતા સામા પક્ષેથી ચારધામ યાત્રા માટે રૂ. 30 હજાર પ્રતિ વ્યક્તિ નક્કી થતાં પરિજનો અને મિત્ર વર્તુળના 26 લોકો માટે ટુર બુક કરી કુલ 30 ટ્રાંઝેક્શન મારફત રૂ. 6,66,999 પૈસાની ઓનલાઇન ચુકવણી કરીને કુલ 22 લોકો હરિદ્વાર પહોંચ્યા હતા. જ્યાં પહોંચતા કોઈ પેકેજ બુક થયેલ નથી તેવું જાણ થતાં અગાઉ વાત થયેલ નંબર પર કોલ કરતા આ નંબર બંધ આવ્યો હતો. જે બાદ વૃદ્ધને ખબર પડી હતી કે, તેઓ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા છે.