તાકીદે યોગ્ય વિકલ્પની જાહેરાત કરવા અને સ્કૂલ ફી માફી કરે તેવી વ્યવસ્થાની માંગ
હાલ કોરોના અને લોકડાઉનના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે. ક્યારે શરૃ થશે તે નક્કી નથી. આ સંજોગોમાં રાજ્ય સરકારે ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૃ કર્યાની જાહેરાત કરી છે, પણ આ ઓનલાઈન શિક્ષણ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગવડતાભર્યુ હોવાની રજૂઆત જામનગરની લોક સરકાર સંસ્થા દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્રમાં પાઠવીને કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે બાળકોની આંખ તથા માનસિક સ્વાસ્થ્ય માટે બાળકોને મોબાઈલથી દૂર રાખવામાં આવે છે ત્યારે ઓનલાઈન શિક્ષણ માટે બાળકોએ મોબાઈલનો જ ઉપયોગ કરવો પડે છે. એટલું જ નહીં આજે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોમાં ઓનલાઈન શિક્ષણ માટે બાળકો માટે મોબાઈલ ખરીદવો અશક્ય છે. તેમાંય એક પરિવારમાં બે-ત્રણ બાળકો ભણતા હોય તો તેમના માટે શું અલગ-અલગ મોબાઈલ રાખવાના…? કારણ કે, ઓનલાઈન શિક્ષણ તો એક જ સમય સ્લોટમાં ચાલુ હોય તો બાળકો એક જ મોબાઈલથી કેવી રીતે તેને ફોલો કરી શકે…?
રાજય સરકારે શાળાઓને પ્રથમ ત્રણ/છ મહિનાની સત્ર ફી માં માફી આપવાનો આદેશ આપવાના બદલે માત્ર હપ્તેથી ફી ભરવાની રાહત આપવાની જાહેરાત કરી છે તેથી ફી તો ભરવાની જ થાય છે અને શાળાઓ દ્વારા ફી ભરી જવા વારંવાર મેસેજ આવ્યા રાખે છે. આથી ઓનલાઈન શિક્ષણ ખૂબ જ અગવડતાભર્યુ હોય, તાકીદે યોગ્ય વિકલ્પની જાહેરાત કરવા અને શાળાઓ ફી માફી કરે તેવી વ્યવસ્થા કરવા માંગણી કરવામાં આવી છે.