ધો.1 થી 11માં માસ પ્રમોશન બાદ નવા વર્ગો વધારવાની કવાયત હાથ ધરાશે: 1લી જૂનથી 31 જુલાઈ સુધી

નવા વર્ગો શરૂ કરવા માટે અરજી કરી શકાશે: નવા વર્ગો વધારવા માટે ઓનલાઈન અરજી કરવી પડશે

 

કોરોના મહામારીના કારણે ગુજરાત સરકારે સ્કૂલોમાં ધો.1 થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. તેવામાં હવે નવા શૈક્ષણિક વર્ગમાં હાઈસ્કૂલોમાં વર્ગ તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે. જેથી શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલા વર્ગો વધારવા અંગેની કવાયત હાથ ધરી દીધી છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ ધો.3 થી 12ના ઓનલાઈન વર્ગો 7 જૂનથી શરૂ થઈ જશે. જો કે, સ્કૂલના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ માટે શાળાએ આવવાનું રહેશે. જો કે હજુ પ્રત્યેક્ષ શિક્ષણ શરૂ નહીં થાય પરંતુ ઓનલાઈન જ ગાડુ ગબડાવવામાં આવશે. જો કે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં એક જ સવાલ છે કે નવું સત્ર ક્યારથી શરૂ થશે તેમજ સ્કૂલો ઓનલાઈન હશે કે ઓફલાઈન. બીજીબાજુ ધો.10ના વિદ્યાર્થીઓની પણ મુશ્કેલી વધી છે કેમ કે ધો.11માં પ્રવેશ મેળવવા માટે હજુ પુરતી વ્યવસ્થા ગોઠવાઈ નથી. જો કે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એસ.કૈલાના જણાવ્યા મુજબ આગામી 7મી જૂનથી ધો.3 થી 12નું નવું  શૈક્ષણિક સત્ર શરૂ થશે અને જે 11માં ધોરણમાં પ્રવેશની વાત છે તે માટે સરકાર દ્વારા હાલ વિચારણા ચાલી રહી છે અને આગામી 2 દિવસ બાદ ધો.10ની માર્કશીટ કઈ રીતે જાહેર કરવી તે અંગે ગાઈડ લાઈન બહાર પાડવામાં આવશે અને પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે હાથ ધરવી તે અંગે સરકાર ગાઈડ લાઈન જાહેર કરશે.

ઉલ્લેખનીય છે કે, ધો.10માં માસ પ્રમોશન બાદ ધો.11માં એડમીશન માટે નવા વર્ગોની જરૂરિયાત ઉભી થઈ છે. હાલની સ્થિતિએ જોઈએ તો ધો.11માં 6 લાખ વિદ્યાર્થીઓની વ્યવસ્થા સામે 9.50 લાખને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે રાજ્યમાં 2000 નવા વર્ગો અને 3 હજારથી વધુ શિક્ષકોની જરૂરીયાત ઉભી થશે. શાળા કમિશ્નર કચેરી દ્વારા રાજ્યની તમામ ગ્રાન્ટેડ સ્કૂલોના ધો.9, 10, 11 અને 12ના હયાત વર્ગોની સંખ્યા મંગાવામાં આવી છે. જ્યારે બીજા વર્ગની 1લી જૂનથી 31 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરવા શિક્ષણ બોર્ડ દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે.

ધો.10ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી છે પરંતુ હવે બીજી તરફ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ આપવાના લઈ સવાલ ઉભા થયા છે. હાલ ધો.11માં ગુજરાતમાં 6 લાખ વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા છે ત્યારે 9.50 લાખમાંથી 50 હજાર વિદ્યાર્થી ડિપ્લોમાં કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તો પણ 9 લાખ વિદ્યાર્થીનો સવાલ ઉભો થાય. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું છે પરંતુ તેમને માર્કસ કેમ આપવા તથા માર્કસ આપ્યા બાદ હોંશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય અને નબળાને ફાયદો થાય તેવી પરિસ્થિતિ ઉભી થશે તેને કારણે ધો.11ની પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલી ઉભી થશે.

ધો.11માં સાયન્સ, કોમર્સ, આર્ટસ એમ ત્રણ અલગ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે કોઈ એક ક્ષેત્ર પર ભાર વધવાની શકયતા છે. વધુ વિદ્યાર્થી સાયન્સ ક્ષેત્ર પસંદ કરે તો એ અને બી ગ્રુપમાં પ્રવેશ આપવો મુશ્કેલ બનશે. માસ પ્રમોશનના કારણે કોમર્સ અને આર્ટસ ક્ષેત્રમાં ઓછા વિદ્યાર્થીઓ એડમીશન લેશે અને સાયન્સ પર ભારણ વધશે તેવી પણ શકયતા છે.

ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જો કે હજુ ભવિષ્યની સ્થિતિની વાત કરીએ તો ઓફલાઈન વર્ગો શરૂ થાય તેવી કોઈ શકયતા દેખાતી નથી. ત્યારે નવા સત્રથી પણ ઓનલાઈન જ ગાડુ ગબડાવું પડશે. લગભગ હજુ દિવાળી સુધી તમામ વર્ગો ઓનલાઈન જ ચાલે તેવી શકયતા છે. ત્યારે હજુ પ્રવેશના પણ કોઈ ઠેકાણા ન હોય સરકાર દ્વારા આજથી કવાયત હાથ ધરી દેવામાં આવી છે. વાલી અને વિદ્યાર્થીઓમાં પણ તેમજ શાળા સંચાલકો અને શિક્ષકોમાં પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે, પ્રવેશ કઈ રીતે આપવો તેમજ ઓનલાઈન કે ઓફલાઈન કઈ રીતે શિક્ષણ આપવું તેવા પ્રશ્ર્નો ઉભા થયા છે. જો કે આ મામલે સરકાર જલ્દીથી નક્કર પગલા લે તેવી માંગ ઉઠવા પામી છે.

ધો.10ના 3.50 લાખ વિદ્યાર્થીઓની રૂા.6.47 કરોડની ફી પરત કરાશે

ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જો કે, ધો.10ના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા હતા અને લગભગ આ ફોર્મથી સરકાર પાસે રૂા.6.47 કરોડ જમા થયા હતા. ત્યારે રાજ્યભરમાં ધો.10ના વિદ્યાર્થીઓને ફોર્મની ફી પરત આપવા માંગ ઉઠી હતી. આ માંગને આજે રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે અને ધો.10ના 3.50 લાખ વિદ્યાર્થીઓને ફી પરત કરવાનો નિર્ણય કર્યો છે. લગભગ રૂા.6.47 કરોડ ફી વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે. આમ જોઈએ તો ધો.10માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 8.85 લાખ હતી પરંતુ સરકાર દિકરીઓની ફી લેતી નથી જેથી હવે જે વિદ્યાર્થીઓએ ધો.10 બોર્ડની પરીક્ષા ફી ભરી છે તેને ઓનલાઈન મારફત પરીક્ષા ફી પાછી આપી દેવામાં આવશે.

ધો.9,10,11 અને 12ના વર્ગોની વિગતો મંગાવતું શિક્ષણ વિભાગ

રાજ્યમાં ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે 1 થી 11 ધોરણમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેને પગલે નવા વર્ગો ઉભા કરવાની પણ જરૂરીયાત પડી છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા વર્ગો વધારવાની કવાયત હાથ ધરી દેવામાં આવી છે. આજે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સ્કૂલો પાસેથી ધો.9,10,11 અને 12ના હયાત વર્ગોની વિગતો મંગાવવામાં આવી છે અને આગામી 2 દિવસમાં ધો.11માં પ્રવેશ કઈ રીતે આપવો તે માટેની ગાઈડ લાઈન પણ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.

ધો.11ના 6 લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ધો.10ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો છે. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ છે પરંતુ હવે બીજી તરફ તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશ આપવાને લઈ સવાલ ઉભા થયા છે. હાલ ગુજરાતમાં ધો.11ના 6 લાખ વિદ્યાર્થી માટે વ્યવસ્થા છે ત્યારે 9.50 લાખમાંથી થોડા ઘણા વિદ્યાર્થી ડિપ્લોમાં કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તો પણ બાકીના વિદ્યાર્થીઓનું શું તે સવાલ ઉભો થાય છે.

નવા સત્રના પ્રથમ માસ દરમિયાન બ્રીજ કોષ ચલાવાશે

કોરોનાની મહામારીને કારણે રાજ્ય સહિત દેશભરમાં ઓનલાઈન શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ધો.1 થી 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. માસ પ્રમોશનને પગલે હવે નવું સત્ર આગામી તા.7મી જૂનથી શરૂ થશે. ત્યારે સ્કૂલો દ્વારા નવા સત્રના પ્રથમ માસ દરમિયાન બ્રીજ કોષ ચલાવવામાં આવશે. બ્રીજ કોષ એટલે કે, ગયા વર્ષે વિદ્યાર્થીઓ જેણે ઓનલાઈન અભ્યાસ કર્યો હતો તેનું મુલ્યાંકન કરાવવામાં આવશે. ત્યારબાદ નવા સત્ર એટલે કે, આગળના ધોરણના અભ્યાસક્રમો ચલાવવામાં આવશે.

ગુણાંકન-મુલ્યાંકન કર્યા બાદ ધો.10ની માર્કશીટ જાહેર કરાશે

રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એસ.કૈલાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો.10ની આ વખતે પરિક્ષામાંથી મુક્તિ આપી છે અને વિદ્યાર્થીને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે. ત્યારે હજુ સુધી કોઈ વિદ્યાર્થીની માર્કશીટ આવી નથી. આગામી 2 દિવસમાં સરકાર ધો.10ના વિદ્યાર્થીઓની ગુણાંકન-મુલ્યાંકનની આધારે ગાઈડલાઈન બહાર પાડશે ત્યારબાદ વિદ્યાર્થીઓની માર્કશીટ જનરેટ થશે.

રાજ્યમાં 2 હજાર નવા વર્ગો અને 3 હજારથી વધુ શિક્ષકોની જરૂરીયાત

માસ પ્રમોશનથી ધો.10ના એકી સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને આગળ પ્રવેશ કઈ રીતે આપવો તે અંગે મુંજવણ છે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો મુંઝવણમાં મુકાયા છે. બીજીબાજુ ધો.10માં માસ પ્રમોશનને કારણે હવે ધો.11માં 2000 જેટલા નવા વર્ગોની જરૂરીયાત ઉભી થવા પામી છે. આ ઉપરાંત 2000 નવા વર્ગો સામે 3000થી વધુ શિક્ષકોની જરૂરીયાત પણ ઉભી થશે. એટલે હવે માત્ર વર્ગો કેવી રીતે વધારવા એ જ નહીં પરંતુ શિક્ષકોની નિમણૂંક આપવી તે પણ પ્રશ્ર્ન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.