એસ.ટી.ની ઓનલાઈન બુકિંગની આવક ૭૫ લાખ: ગયા વર્ષ કરતા બમણી આવક
રાજકોટ એસ.ટી. ડિવિઝનની ગાડી હાલ પુરઝડપે ચાલી રહી છે. ત્યારે દરેક ક્ષેત્રમાં ડિજિટલાઈઝેશન માટે ટેકનોલોજી પણ હાઈટેક બનાવી છે. હાલ રાજકોટ એસ.ટી. ડિવિઝન મુસાફરોના મોટા પ્રમાણમાં ડિજિટલ વ્યવહારોને વધારે પ્રાધાન્ય આપી ર્હયું છે. એસ.ટી.ની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે. તેમજ મુસાફરો પણ દિવસને દિવસે વધી રહ્યાં છે. ત્યારે ઓનલાઈન બુકિંગનો આગ્રહ મુસાફરોએ પણ વધુ રાખ્યો છે. તે ગયા મહિનાની આવક પરથી ખ્યાલ આવે છે.રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાત માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને ઓનલાઈન ટિકિટ બુક કરાવવામાં ઘણી બધી વ્યવસ્થા ઉભી કરી છે અને હવે લોકો પણ ઓનલાઈન ટિકિટ બુકિંગ તરફ વળ્યા છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઓનલાઈન બુકિંગ કરાવનારા મુસાફરોનું પ્રમાણ છેલ્લા એક વર્ષમાં ઘણું વધ્યું છે. ગયા વર્ષે ઓગષ્ટ મહિનામાં ૨૭ હજાર ઓનલાઈન ટિકિટ બુક થઈ હતી અને એસ.ટી.ડિવિઝનને ૨૬ લાખની આવક થઈ હતી. જયારે આ વર્ષની સરખામણી કરીએ ત્યારે આ ઓગષ્ટ મહિનામાં એસ.ટી.ડિવિઝનને ૫૧ હજાર ટિકિટનું બુકિંગ થયું છે અને અંદાજીત ૭૫ લાખની આવક થવા પામી છે.સૌરાષ્ટ્રભરમાં ગયા મહિને તહેવારનો માહોલ જેમાં અલગ અલગ જગ્યાએ થતા મેળાઓ તેમજ વિવિધ કાર્યક્રમોને લઈને વધુ એસ.ટી.દોડાવવામાં આવી હતી. જેને પગલે એસ.ટી.ડિવિઝનને વધારાની આવક પણ થઈ છે અને મુસાફરો પણ વધ્યા છે. સાથો સાથ લોકો પણ હાલ ડિજિટલાઈઝેશન તરફ વધુ વળ્યા છે. ત્યારે ગત મહિનાની આવક પરથી ખ્યાલ આવે છે કે, ગયા વર્ષના ઓગષ્ટ મહિના કરતા આ વર્ષના ઓગષ્ટ મહિનાને એસ.ટી.ડિવિઝનને ઓનલાઈન બુકિંગમાં બમણી આવક થવા પામી છે. એસ.ટી. નિગમ દ્વારા મુસાફરો માટે બસ સ્ટેન્ડ ખાતે રિઝર્વેશન વિન્ડો જીએસઆરટીસીની મોબાઈલ એપ્લીકેશન, વેબસાઈટો ઉપરાંત ખાનગી એજન્ટો દ્વારા પણ ટિકિટ બુકિંગ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ લોકો ઘરે બેઠા મોબાઈલમાં જીએસઆરટીસીની એપ્લીકેશનમાં જે તે જગ્યાએ જવા માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે.