નાફેડે મહુવા, ગોંડલ અને પોરબંદરમાં ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ રાજકોટના ખેડૂતોને પણ લાભ આપવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની ખરીદીનો પ્રારંભ કર્યો
ડુંગળીના રૂ. 7.92 પ્રતિ કિલોના ભાવે ખરીદી : વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા નાફેડની અપીલ
નાફેડ દ્વારા ગુજરાતમાં આજથી ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરી છે. નાફેડે મહુવા, ગોંડલ અને પોરબંદરમાં ખરીદી કરવાની જાહેરાત કર્યા બાદ રાજકોટના ખેડૂતોને પણ લાભ આપવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની ખરીદીનો પ્રારંભ કર્યો છે. હાલ ડુંગળીના રૂ. 7.92 પ્રતિ કિલોના ભાવે ખરીદી ચાલુ છે. વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા નાફેડે અપીલ કરી છે.
આનાથી ખાસ કરીને સૌરાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડુતોને તેનો વિશેષ લાભ થશે. કૃષિમંત્રીએ રાજ્યના ખેડુતોને વધુ રાહત અપાવવા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલ સાથે કરેલ પરામર્શને સફળતા મળી છે.
કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરીને ડુંગળી પકવતા ખેડૂતોને રૂ.70 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ પણ કૃષિ મંત્રીને ડુંગળી પકવતા ખેડુતોની ચિંતા સતાવતી હતી. જેનો ઉકેલ સાધવા ડુંગળીની ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા પણ થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંકલનમાં રહીને કૃષિ મંત્રીશ્રીએ ગઈકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના મંત્રી પિયુષ ગોયલ સાથે પરામર્શ કર્યો હતો. જેના પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લઈને આજથી નાફ્રેડ દ્વારા ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય મંત્રી પિયુશ ગોયલનો રાજયના ખેડૂતો વતી આભાર માનતા કૃષિ મંત્રી રાધવજી પટેલે ઉમેર્યું કે, ભારત સરકારના નિર્દેશ પર નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ) ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. તેમજ ડુંગળી ઉત્પાદક ખેડુતોને પોષણક્ષમ ભાવ મળશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડુતોને તેનો વિશેષ લાભ થશે.
કૃષિ મંત્રીની રજૂઆતને પગલે રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ વિભાગએ નાફેડ દ્વારા ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવાનો નિર્ણય કરેલ છે. નાફેડ દ્વારા ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં આજથી ડુંગળીની ખરીદી શરૂ કરાઈ છે. મંત્રીએ ઉમેર્યું કે, ભારત સરકાર દ્વારા ખરીદી કરવાના લીધે ખેડૂતોને રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી તાત્કાલિક રાહત અને સારા ભાવનો લાભ મળશે. આ કેન્દ્રો ઉપર ખેડૂતોને તેમની સારી ગુણવત્તા અને સૂકો સ્ટોક લાવવા વિનંતી કરવામાં આવે છે. ખેડૂતોને પેમેન્ટ ઓનલાઈન કરવામાં આવશે. આ બાબતે ભારત સરકાર સાથે સંકલન સાધવામાં રાજ્યના ખેડુતોના હિતમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરી દ્વારા મહત્વપૂર્ણ ભુમિકા ભજવવામાં આવી હોવાનું જણાવી કૃષિ મંત્રીએ તેમની સરાહના કરી છે.