લોકડાઉનના કારણે અપૂરતા પરિવહનથી ડુંગળીની સપ્લાય ચેઈન ખોરવાય
વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના સંક્રમણને રોકવા મોદી સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉનનો નિર્ણય કરાયો હતો. આ લોકડાઉનમાં જીવન જરૂરી ચીજવસ્તુ સિવાયના તમામ ધંધા વ્યવાસાયો બંધ રાખવામાં આવ્યા હતા જેમાં હોટલ, રેસ્ટોરન્ટ પણ બંધ હોય ડુંગળી-મરચાની માંગ ઘટી જવા પામી હતી. ગત વર્ષે ડુંગળીના ભાવો આસમાને હોય આ વર્ષે ખેડુતોએ ડુંગળીનું વધુ વાવેતર કર્યું હતુ જેના કારણે આ વર્ષે ડુંગળીનો બમ્પર પાક આવ્યો છે. પરંતુ લોકડાઉનના કારણે બંધ હોટલ રેસ્ટોરન્ટોના કારણે ડુંગળીની માંગ ઘટતા ડુંગળી ઉપરાંત મરચાના ભાવો તળિયે પહોચી જવા પામ્યા છે.
આ વર્ષે ડુંગળીનો બમ્પર પાક આવ્યો છે. પરંતુ. તેની સામે ડુંગળીનો મહત્તમ ઉપયોગ કરતા હોટલ રેસ્ટોરન્ટો લોકડાઉનમાં સજજડ બંધ રહેવા પામ્યા હતા. હાલમાં હોટલ રેસ્ટોરન્ટોને માત્ર ફૂડ પાર્સલ આપવાની છૂટ અપાઈ છે. તેમાં પણ મર્યાદીત સમય હોય ડુંગળીની માંગમા ભારે ઘટાડો થવા પામ્યો છે. ગત વર્ષે યાર્ડમાં ડુંગળીનો કીલોનો હોલસેલ ભાવ રૂા૪૦ એ પહોચ્યો હતો તે આ વર્ષે ઘટીને કિલોએ રૂા.૧૨ સુધી પહોચી જવા પામ્યોછે. યાર્ડના વેપારીઓના જણાવ્યા અનુસાર ગત વર્ષની સરખામણીમાં હાલ ડુંગળીના ભાવો ૫૦ ટકા જેટલા ઘટી જવા પામ્યા છે. જે હાલમાં અપૂરતા પરિવહન વચ્ચે ડુંગળીનો ૨૦ ટકા જથ્થો જ યાર્ડમાં આવ્યો છે. તે પણ વેચાયા વગરનો રહેતા અમે ડુંગળીનો નવો ઓર્ડર કરવાનું બંધ કરી દીધું છે.
અમદાવાદ માર્કેટ યાર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે રોજ ડૂંગળીનો ૧૮૦૦ કિવન્ટલનો વેપાર થાય છે. જે વેપાર ગત બુધવારે માત્ર ૫૩૭ કિવન્ટલ ડુંગળીનો જ રહેવા પામ્યો છે. વેપારીઓ પાસે માંગ કરતા વધારે જથ્થો છે. પરંતુ ડૂંગળીની માંગ ઘટી જતા ડુંગળીનો વેપાર ઓછો થઈ રહ્યો છે. હાલમાં મહારાષ્ટ્રના નાસીકથી માત્ર ૩૩૬ કિવન્ટલ અને મહુવાથી માત્ર ૨૦૧ કિવન્ટલ ડુંગળીનો જથ્થો આવ્યો છે. તેનાથી હાલ યાર્ડના તમામ વેપારીઓ પાસે પણ પૂરતા પ્રમાણમાં ડુંગળીનો જથ્થો સ્ટોક થયેલો છે.
હોટલ-રેસ્ટોરન્ટમાં ડુંગળીની સાથે જેનો મહત્તમ ઉપયોગ થાય છે. તેવા લીલા મરચા, કેપ્સીકમ મરચા ટમેટા વગેરેની માંગમાં પણ ઘટાડો થવા પામ્યો છે. લીલા મરચાની માંગમાં ૩૦ ટકા જેવો ઘટાડો થતા તેના ભાવમાં ૩૦ ટકા જેવો ઘટાડા સાથે રૂા.૧૨ થી ૩૦ પ્રતિકિલો હોલસેલ ભાવ રહેવા પામ્યો છે. આવી જ સ્થિતિ કેપ્સીકમ, ટમેટા ઉપરાંત અનેક શાકભાજીના ભાવોમાં જોવા મળે છે. આ જ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં ભાવ ગગડી જવાના કારણે શાકભાજી ડુંગળીનું વાવેતર કરનારા ખેડુતોને પૂરતા ભાવો મળવાની સંભાવના નહિવત હોવાનું સુત્રોએ ઉમેર્યું હતુ.