ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોસ્ટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનો એક વર્ષનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બે સેમેસ્ટર એટલે કે એક વર્ષના કોર્સમાં જુદા જુદા 6 કોર્સ કરનારા ઉમેદવારો પ્રવેશ મેળવી શકશે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારને આગામી 24મી ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી કરવા સૂચના આપવામાં આવી છે.
પહેલા વર્ષે અડધુ સેમેસ્ટર પુરુ થવા આવ્યું હોવાથી રજાના દિવસે પણ અભ્યાસ શરૂ રાખીને કોર્સ પુરો કરવામા આવશે
રાજયની જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં સેફ્ટી માટે ખાસ સ્કીલ ધરાવતાં કર્મચારીઓની જરૂરિયાત હોય છે. કેટલીક ઇન્ડસ્ટ્રીઝ નોકરી કરતાં કર્મચારીઓને સેફ્ટી અંગેના કોર્સ કરવા માટે મંજૂરી આપતાં હોય છે. ઇજનેરી, ફાર્મસી, બીએસસી સહિતની લાયકાત ધરાવતાં વિદ્યાર્થીઓ પૈકી જેઓએ આ પ્રકારનો કોર્સ કર્યો હોય તેમને નોકરીમાં પ્રાથમિક્તા આપવામાં આવતી હોય છે. આમ, જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝની માંગણીને ધ્યાનમાં રાખીને હવે જીટીયુએ પણ એક વર્ષનો પોસ્ટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીનો કોર્સ શરૂ કરવાની જાહેરાત કરી છે.
આ કોર્સમાં એમ.ઇ., એમ.ટેક થયેલા ઉપરાંત એમએસસી વીથ ફીઝીક્સ, કેમેસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ અને એન્વાર્યમેન્ટ કરેલા, બી.ઇ. અને બી.ટેક કરેલા ઉમેદવારોએ કોર્સ કરવા ઇચ્છતાં હોય તો તેમના માટે અનુભવની કોઇ જરૂર નથી. આ સિવાય ડિપ્લોમા ઇન ડિસીપ્લીન અને બીએસસી કેમેસ્ટ્રી, ફીઝીક્સ, ઇલેક્ટ્રોનિક્સ અને એન્વાર્યમેન્ટ કરેલા ઉમેદવારો પૈકી જેઓને બે વર્ષનો નોકરીનો અનુભવ હોય તેઓ આ કોર્સમાં પ્રવેશ મેળવી શકશે.
રાજયમાં ગણતરીની કોલેજ-યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્સ ચલાવવામાં આવે છે. આ કોર્સ માટે ટેકનિકલ એજ્યુકેશન બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવતી હોય છે. યુનિવર્સિટી દ્વારા મંજૂરી માટે દરખાસ્ત કર્યા બાદ તાજેતરમાં મંજૂરી મળતાં હવે કોર્સ શરૂ કરવાનું નક્કી કરાયું છે. જોકે, પહેલા વર્ષે અડધુ સેમેસ્ટર પુરુ થવા આવ્યું હોવાથી રજાના દિવસે પણ અભ્યાસ શરૂ રાખીને કોર્સ પુરો કરવામા આવશે.