આજે યેદિયુરપ્પા નવી સરકાર રચવાનો રાજ્યપાલ વજુભાઈ વાળા સમક્ષ દાવો કરે તેવી સંભાવના
કર્ણાટકમાં ૧૪ મહિના જૂની કોંગ્રેસ-જેડીએસ સરકાર ગઈકાલે પડી ગઈ છે. ૧ જુલાઈથી ધારાસભ્યોના રાજીનામાના દોર સાથે શરૂ થયેલા રાજકીય સસ્પેન્સનો પણ અંત આવ્યો. ગઠબંધન સરકાર બચાવવાના પ્રયાસમાં વિશ્વાસ પ્રસ્તાવ પર ચાર દિવસ સુધી ચર્ચા કુમાર સ્વામી સરકારે ગઈકાલે સાંજે મતદાન કરાવવું પડ્યું હતું. સ્પીકરે ગૃહમાં એક-એક ધારાસભ્યને ઊભા કરીને ગણતરી કરી હતી. જેમાં સરકારના પક્ષમાં ૯૯ અને વિરોધમાં ૧૦૫ મત પડ્યા. ગૃહમાં ૨૦૪ ધારાસભ્ય હાજર હતા. બહુમતી માટે ૧૦૩નું સમર્થન જરૂરી હતું. ગૃહમાં સ્પીકર અને એક નોમિનેટેડ ધારાસભ્ય સહિત ૨૨૫ સભ્ય છે. કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનના ૧૭, બસપાનો એક અને અપક્ષ ધારાસભ્યો પણ ગૃહમાં ગેરહાજર રહ્યાં હતા.
એચડી કુમારસ્વામી વિશ્વાસનો મત જીતવામાં નિષ્ફળ જતાં જ ભાજપ પ્રદેશાધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, હવે વિકાસનો નવો દોર શરૂ થશે. કુમારસ્વામીએ મોડી રાત્રે રાજભવન જઈને રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું સોંપ્યું હતું. રાજીનામું મંજૂર કરતા રાજ્યપાલે તેમને બીજા મુખ્યમંત્રી નક્કી ના થાય ત્યાં સુધી હોદ્દા પર બન્યા રહેવાનું કહ્યું હતું.
ભાજપ આજે સાંજે યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. ભાજપે મોડી રાત્રે ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ચર્ચા કર્યા બાદ ભાજપ સરકાર રચવાનો દાવો કરશે તેમ મનાઈ રહ્યું છે.
કુમારસ્વામીએ ૧૧૬ ધારાસભ્યોના સમર્થનથી ૧૪ મહિના સુધી જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકાર ચલાવી હતી. ૧ જુલાઇના બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું. બાદ ધારાસભ્યોને રાજીનામાની સંખ્યા ૧૫ થઇ ગઇ. બે અપક્ષ ધારાસભ્યોએ પણ સરકારને સમર્થન પાછુ ખેંચી લીધું હતું. આ રાજીનામા બાદ આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો. કોંગ્રેસ જેડીએસે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો. સિદ્ધારમૈયાએ કહ્યું કે સરકારને અસ્થિર કરવાનુ કામ ઓપરેશન લોટસ અંતર્ગત થઇ રહ્યું છે. રાજીનામાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને કોર્ટે સ્પીકરને તેના પર તાત્કાલિક નિર્ણય કરવાનો નિર્દેશ આપ્યો. જોકે સ્પીકરે વિશ્વાસ મત સાબિત કરવા માટે ૧૮ જુલાઇની તારીખ નક્કી કરી.
ચાર દિવસ સુધી વિશ્વાસ મત પર ચર્ચા થઇ હતી. જેમાં ભાજપે સત્તાપક્ષ પર આરોપ લગાવ્યો કે લાંબા લાંબા ભાષણ આપીને ફ્લોટ ટેસ્ટને સરકાર ટાળવા માગે છે. રાજ્યપાલે બે વખત ડેડલાઇન આપી પરંતુ ફ્લોર ટેસ્ટ થઇ શક્યો નહીં. ત્યારબાદ સ્પીકરે મંગળવાર સાંજે ૬ વાગ્યાની ડેડલાઇન આપી પરંતુ નિર્ધારિત સમયમાં ફ્લોર ટેસ્ટ થયો ન હતો. જોકે ત્યારબાદ બે કલાક પછી કુમારસ્વામી ફ્લોર ટેસ્ટમાં પરાજિત થયા હતા.
કોંગ્રેસના ૧૩ અને જેડીએસના ૩ ધારાસભ્યોએ રાજીનામું આપતા કુમાર સ્વામી સરકાર લઘુમતિમાં આવી ગઈ હતી. બીએસપી પ્રમુખ માયાવતીએ ધારાસભ્ય એન.મહેશને ફ્લોર ટેસ્ટમાં ભાગ ન લેવાના કારણે પાર્ટીમાંથી બરખાસ્ત કરી દીધા છે. પાર્ટીએ આ ધારાસભ્યને કુમારસ્વામીના પક્ષમાં વોટ કરવાના નિર્દેશ આપ્યા હતા.