મોરબીના માળિયા- અમદાવાદ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં એક મહિલા સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 2 મહિલાને ઘાયલ મહિલાઓને 108ની મદદથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં માળિયા પીએસઆઇ જે.ડી.ઝાલા અને તેની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે માળિયાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે શેવરોલેટ બીટ અને હ્યુન્ડાઈ આઈ-20 વચ્ચે ટક્કર થઈ હતી.
હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.મળતી માહિતી મુજબ મોરબીના માળિયા-અમદાવાદ હાઇવે પર આવેલ માણાબા ગામના પાટિયા નજીક પુર ઝડપે આવેલી એક કારે રોંગ સાઈડમાં આવતી કારને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર થતાની સાથે બંને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મરનાર પૈકી એક વ્યક્તિ પાસેથી ડ્રાઈવિંગ લાયસન્સ મળી આવ્યું છે. તે વ્યક્તિ ખેડબ્રહ્માના મોતીનગરમાં રહેતા હરિભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે.