ગિરનારની ધરા પર કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો 53મિ જન્મોત્સવ કરુણા અને કલ્યાણના કર્તવ્યો અને શાતા, સમાધિ, અભયદાન જેવા સત્કાર્યો, તપ, ત્યાગ, સાધના અને આરાધનાના સંકલ્પો, વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા, આગામી આયોજનના પ્લાનિંગ અને અભિવંદનાની અમીવર્ષાની સાથે કાંઈક નવું અને પ્રેરણાત્મક પામવાની તૃપ્તિ સાથે સંપન્ન થયો.
સ્વયં સ્ફુરિત મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રના સિદ્ધસાધક પરમ ગુરુદેવે જ્યારે ત્રણ, તબક્કામાં વર્ષમાં એક જ વાર થતી વિશિષ્ટ અને સંકલ્પ સિદ્ધિદાયક જપસાધના શુભ થાઓ શકલ વિશ્વની શુભ ભાવના સાથે કરાવી ત્યારે પરમ ગુરુદેવના નાભિમાં બ્રહ્મનાદે લયબદ્ધ પ્રગટતા મંત્રોચ્ચારના દિવ્યધ્વનીએ સહુના આત્માને તો સ્પંદિત કર્યાં પણ પ્રભુપ્રેમ અને ગુરુ સાધનાની પ્રભાવકતાનો અનુભવ કર્યો.
કરૂણા અને કલ્યાણના કર્તવ્યો સાથે શાતા અને સમાધિ આપતાં સત્કાર્યો સાથે નમ્રમુનિનો 53માં જન્મોત્સવ બની ગયો મહા માનવતા મહોત્સવ
કેશોદ વિકલાંગ આસ્થા સંસ્થાને આવાસ માટે 81 લાખનું અનુદાન
આ અવસરે પરમ ગુરુદેવે માનવતાની નવી પરિભાષાની સમજ આપતાં ફરમાવ્યું કે, માનવતા મહોત્સવ તમારા પુણ્યને એક્સચેન્જ કરવાનો અવસર છે. જ્યારે તમે કોઈને કંઈ અર્પણ કરો છો, ત્યારે અર્પણ નથી કરતાં તમારા પુણ્યને એક્સચેન્જ કરો છો. આ નવી પરિભાષા સાથે પરમ ગુરુદેવે પ્રેરણા કરી કે તમે સત્કાર્ય કરો અને અન્યને સત્કાર્ય કરતાં શીખડાવો, ખુશીના પાર્સલ વહેંચો. તમારા નેચરને પુણ્ય નેચર બનાવો. પાણી પીતાં પહેલાં પ્યાસાને યાદ કરો. ’માનવતા હૃદયમાં ત્યારે જન્મે જ્યારે અન્યની પીડા પીડિત કરે’.
પરમ ગુરુદેવની કરુણા ભાવનાથી છેલ્લાં એક વર્ષથી અનેક ક્ષેત્રોમાં ચાલી રહેલી અર્હમ અનુકંપા યોજના અંતર્ગતની અર્હમ એનિમલ એમ્બ્યુલન્સના માધ્યમે આજ સુધી 30,000થી વધુ અબોલ-ઘાયલ અને વેદનાગ્રસ્ત પશુઓને સમયસરની સારવાર આપીને એમને વેદનામુક્ત કરવામાં આવ્યાં છે, આ પરમાર્થની શૃંખલાને આગળ વધારતી પરમ ગુરુદેવની પ્રેરણાની ઝીલીને આ અવસરે આ વર્ષે 1 લાખ ઘાયલ પશુઓને સહાયના ટાર્ગેટ સાથે વધુ 18 એનિમલ એમ્બ્યુલન્સ અનેક ક્ષેત્રોના રસ્તાઓ પર દોડતી કરવામાં આવી.
જે કહી નથી શકતાં એની કેર કરનારા પરમ ગુરુદેવની પ્રેરણાથી જીવદયાના નવા પ્રકલ્પરૂપે એનિમલ ફર્સ્ટ એડ કીટ લોન્ચ કરવામાં આવી હતી, જેનું લોકાર્પણ સૌરાષ્ટ્રના સર્વ સંઘના પ્રમુખ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ અવસરે પરમ ગુરુદેવના જીવનમાંથી પ્રેરણા આપતાં ગુણવૃદ્ધિ કરાવતાં આત્મ કલ્યાણકારી પ્રસંગોનું સંકલન- ’પ્રસંગોની પાઠશાળા’ પ્રેરક પુસ્તકનું વિમોચન એમ. એલ. એ પરાગભાઇ શાહ, અવંતિભાઈ કાંકરિયા, જીગરભાઈ શેઠ, દિનેશભાઇ મોદી, સ્વપ્નિલભાઈ મકાતી, ધર્મેશભાઈ શાહ, રાજેશભાઈ કોઠારી, શ્રી આશિષભાઈ કાંકરિયાએ કર્યું. તેમજ ’નો યોર આય’ – ઇંગ્લિશ બુકનું વિમોચન અજયભાઈ શેઠ, હિતેનભાઈ મહેતા, પ્રદીપભાઈ દોશી, ભાવિકભાઈ શાહ, શ્રી હર્ષદભાઈ ગાઠાણી, આદિ દ્વારા થતા સર્વત્ર હર્ષ- હર્ષ છવાયો હતો.
આ અવસરે ઉવસગ્ગહરં સ્તોત્ર અભિમંત્રિત મંગલ કળશનો લાભ અર્હત મનનભાઈ પરાગભાઈ શાહએ લીધો હતો અને એ માતબર રકમ એમના હસ્તે કેશોદની વિકલાંગ આસ્થા સંસ્થાની નિવાસ વ્યવસ્થા માટે અર્પણ કરવામાં આવશે. દ્વીતિય અને તૃતીય કળશનો લાભ શ્રી મોદી પરિવાર અને અમીબેન કોઠારી પરિવારે લીધો હતો, જે રકમ એનિમલ ફર્સ્ટ એડ કીટને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે અર્પણ કરવામાં આવશે.
આ અવસરે પરમ ભક્તો એ પરમ ગુરુદેવને 10,008 પારાની માળા સાથે ’જુગ જુગ જીવો ગુરુદેવ’ના હૃદયપૂર્ણ ભાવો અર્પણ કર્યા હતા.
માનવતાની નવી પરિભાષા આપતા અનેક દ્રષ્યાંકનો, પુનડીના બાળકો દ્વારા સરસ પ્રસ્તુતિ, કેશોદની વિકલાંગ બાલિકાઓ માટે આસ્થા સંસ્થાની સુંદર પ્રસ્તુતિ સાથે માનવતાના અનેક નવા પ્રકલ્પોના આયોજન સાથે અનેકોના આસું લૂછવાના સંકલ્પ સાથે આ અવસર વિરામ પામ્યો હતો.