ટીપી, જગ્યા રોકાણ, આરોગ્ય અને રોશની શાખાનો કાફલો મંગળવાર, ગુરૂવાર અને શનિવાર એમ અઠવાડિયામાં ત્રણ દિવસ અલગ અલગ ઝોનમાં ત્રાટકશે
ઝડપથી વિકાસ સાધી રહેલા રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ બની ગઈ છે. વાહન ચાલકોને પાર્કિંગ માટે પણ પુરતી જગ્યા મળતી નથી. માર્જિન-પાર્કિંગમાં દબાણ ખડકી દેવામાં આવતા હોવાના કારણે રોડ પર આડેધડ વાહનો પાર્ક થાય છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વિસ્ફોટક બની રહી છે. હાલ શહેરમાં નોનવેજના હાટડાના દુષણ દૂર કરવા માટે મહાપાલિકા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આગામી મંગળવારથી માર્જિન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવા માટે વન વીક, વન વોર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં દર મંગળવારે, ગુરૂવારે અને શનિવારે એક-એક ઝોનમાં કોઈ એક રોડ પરથી દબાણો દૂર કરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા ઝીરો લેવલ પાર્કિંગ અને માર્જિનની જગ્યા ખુલ્લી કરાવવા માટે સોમવારથી વન વીક વન વોર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં આગામી મંગળવારે વેસ્ટ ઝોનમાં આવતા રૈયા રોડ, ગુરૂવારે સેન્ટ્રલ ઝોનમાં આવતા ટાગોર રોડ અને શનિવારે ઈસ્ટ ઝોનમાં આવતા કુવાડવા રોડ પર દબાણ હટાવવા માટે ઝુંબેશ શરૂ કરાશે. જેમાં માર્જિન કે પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવી દેવામાં આવશે. ઓટલા અને છાપરાઓ પણ જમીન દોસ્ત કરી દેવામાં આવશે.
ટાઉન પ્લાનીંગ શાખા, જગ્યા રોકાણ શાખા, આરોગ્ય શાખા અને રોશની શાખા દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવશે. જેમાં ટીપી શાખા માર્જિન કે પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરશે. જયારે જગ્યા રોકાણ શાખા ગેરકાયદે ખડકાયેલા દબાણનો સફાયો બોલાવશે. આરોગ્ય શાખાનો કાફલો દુકાનોમાં ફૂડ લાયસન્સ અંગે ચેકિંગ કરશે જ્યારે રોશની શાખા દ્વારા બંધ સ્ટ્રીટ લાઈટને ચાલુ કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં
આવશે. હવેથી દર સપ્તાહમાં મંગળવારે વેસ્ટઝોનનો કોઈપણ એક રાજમાર્ગ, ગુરૂવારે સેન્ટ્રલ ઝોનનો એક રાજમાર્ગ અને શનિવારે ઈસ્ટ ઝોનનો કોઈપણ એક રાજમાર્ગ પર માર્જિન પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.