આરોગ્ય શાખાએ તલ અને દાળીયાના ચીકીના નમૂના લીધા : ખાણીપીણીના 8 વેપારીઓને નોટીસ
અબતક, રાજકોટ
કોર્પોરેશન દ્વારા આજે વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત શહેરના કાલાવડ રોડ પર ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ટેક્ષ બ્રાંચ દ્વારા વોર્ડ નં.8 અને 10માં 52 મિલકત ધારકો પાસેથી રૂા.49 લાખની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે 74 આસામીઓ પાસેથી વ્યવસાય વેરા પેટે રૂા.3.54 લાખની વસૂલાત કરાઈ છે. વ્યવસાય વેરા માટે કુલ 102 આસામીઓની સુનાવણી કરી નોટીસ ફટકારવામાં આવી છે. આમ કુલ 126 આસામીઓ પાસેથી 52.58 લાખની વસૂલાત કરવામાં આવી છે.
આરોગ્ય શાખા દ્વારા 31 ખાણીપીણીની દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત 28 કિલો અખાદ્ય ખોરાનો નાશ કરી આઠ વેપારીઓને નાટીસ ફટકારવામાં આવી હતી. પોપટ પરા મેઈન રોડ પર ઓમ ઉદ્યોગ ગૃહમાંથી તલની લુઝ ચીકી અને દાળીયાની લુઝ ચીકીના નમુના લેવામાં આવ્યા હતાં. દબાણ હટાવ શાખા દ્વારા 165 બોર્ડ બેનર અને ઝંડીઓ જપ્ત કરવામાં આવી છે. સોલીડ વેસ્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેંકવા સબબ અને ગંદકી કરવા સબબ આઠ આસામીઓ પાસેથી 2500નો દંડ, કચરા પેટી ન રાખવા સબબ પાંચ આસામીઓ પાસેથી 1250નો દંડ, પ્રતિબંધીત પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા બદલ 20 આસામીઓ પાસેથી રૂા.8750 સહિત કુલ 33 આસામીઓ પાસેથી 11500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. બાંધકામ શાખા દ્વારા 12 વોટર મેન હોલ, 40 ડ્રેનેજ મેન હોલ, 11 પાણીની વાલ્વ ચેમ્બરની સફાઈ કરવામાં આવી હતી. જ્યારે ફુટપાથ અને પેવીંગ બ્લોકનું રીપેરીંગ હાથ ધરાયું છે.