૧૪ માર્ચથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રથમ તબક્કો
ચોથા, પાંચમા અને છઠા તબક્કાની પરિક્ષા એક અઠવાડિયું પાછળ ઠેલવાશે: ૨૧થી ૨૭ એપ્રિલ દરમિયાન પરીક્ષા નહિ યોજાય
લોકસભાની ચૂંટણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં અવરોધરૂપ બની રહેશે. યુનિવર્સિટી દ્વારા ૧૪ માર્ચથી પ્રથમ તબક્કાની પરીક્ષા શરૂ થશે. જોકે તે દરમ્યાન ૨૩ એપ્રીલના લોકસભાની ચૂંટણી હોવાથી યુનિવર્સિટીના ચોથા,પાંચમા અને છઠ્ઠા તબક્કાના વિદ્યાર્થીઓની પરીક્ષા એક અઠવાડીયું પાછી ઠેલાશે. પરીક્ષાના ચોથા,પાંચમા અને છઠ્ઠા તબક્કાના બી.એ. ( કકઇ) સેમ. ૨ – ૮ , એમ.એ. – એમ.કોમ. – એમ.એસસી. સેમ. ૨ અને ૪ સહિતના વિદ્યાર્થીઓની પરીક્ષા મોડી લેવાશે. ૨૧થી ૨૭ એપ્રિલ દરમિયાન પરીક્ષા નહિ યોજાય.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાનો પ્રથમ તબક્કો ૧૪ માર્ચથી શરૂ થશે. જે પરીક્ષા ૨૫ માર્ચ સુધી ચાલશે. ત્યારબાદ ૨૬ માર્ચથી ૩ એપ્રિલ સુધી પરીક્ષાનો બીજો તબક્કો યોજાશે. પરીક્ષાનો ત્રીજો તબક્કો ૪ એપ્રિલથી ૧૫ એપ્રિલ સુધી રહેશે. જ્યારે પરીક્ષાનો ચોથો તબક્કો ૧૬ એપ્રીલથી ૨૨ એપ્રીલ સુધી યોજાનાર હતો પરંતુ ચૂંટણીના હિસાબે ચોથા તબક્કાની પરીક્ષા હવે ૨૯ એપ્રિલથી યોજાશે જેને લઇને હવે ચોથા, પાંચમા અને છઠ્ઠા તબક્કાની પરીક્ષા એક અઠવાડીયું પાછળ ઠેલાશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની ૨૩ એપ્રીલ જાહેર થતાં હવે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
માસ કોપીકેસ કરાવતા પરીક્ષા કેન્દ્રને રૂ. ૧ લાખનો દંડ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૪ માર્ચથી શરૂ થતી પરીક્ષા પહેલા ગેરરીતિને ડામવા માટે નિયમો કડક બનાવવામાં આવ્યા છે. કોઈ પરીક્ષા કેન્દ્ર માસ કોપીકેસમાં પકડાશે તો તે પરીક્ષા કેન્દ્રને રૂ. ૧ લાખનો દંડ ફટકારવામાં આવશે.