૨૦૬૪ બોટલ શરાબ અને વાહન મળી રૂા.૮.૧૦ લાખનો મુદામાલ કબ્જે: રાજકોટના બૂટલેગરે મંગાવ્યાનું ખૂલ્યું
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ડોળીયા બાઉન્ડ્રી નજીકથી બાતમીનાં આધારે વિદેશી દારૂની ૨૦૬૪ બોટલ અને આઈસર મળી કુલ રૂા.૮.૧૦ લાખના મુદામાલ સાથે હરીયાણાના શખ્સને સુરેન્દ્રનગર એલસીબીની ટીમે ઝડપીલીધો છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ-અમદાવાદ નેશનલ પર ડોળીયા બાઉન્ડ્રી પર સુરેન્દ્રનગરની એલસીબીના પી.આઈ.ડી.એમ. ઢોલ સહિતનો સ્ટાફ વાહન ચેકીંગ કરી રહ્યો હતો. દરમિયાન ચોકકસ બાતમી મળી હતી કે સફેદ કલરનાં મોઢાવાળી, લાલ બંધબોડીની આઈસર ગાડી નંબર એસઆર ૪૭ ડી ૨૭૫૪ ના ચોરખાનું છે. જેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. જે ડોળીયા બાઉન્ડ્રીથી રાજકોટ તરફ જવાનું હોઈ, એલસીબીની ટીમ વોચમાં ગોઠવાઈ જઈ બાતમી મળેલુ આઈસર પસાર થતા તેને રોકવા જતા વાહન ચાલક પોલીસને જોઈને રાજકોટ તરફ નાસવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પોલીસે તેની ફીલ્મી ઢબે પીછો કરી દેવનારાયણ હોટલની સામે આઈસરને ઝડપી લીધું હતુ.
પોલીસે આઈસરમાં રહેલા ચોરખાનાની તલાસી લેતા તેમાંથી રૂા.૨,૮૬ લાખની કિંમતની ૨૦૬૪ બોટલ દારૂ મળી આવતા શરાબ, આઈસર મળી કુલ રૂા.૮.૧૦ લાખના મુદામાલ સાથે હરીયાણાના સુખબીર માંગેરામ ચૌધરી નામના શખ્સની લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.એમ. ઢોલ, પી.એસ.આઈ. વી.આર. જાડેજા એ.એસ. આઈ.ઋતુરાજસિંહ, વાજસુરભા હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ , અમરકુમાર સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.
પોલીસે સુખબીરની દારૂ અંગે પૂછપરછ કરતા તેને શરાબ હરિયાણાના અમરજીત ઝાટ નામના શખ્સે ત્યાંથી આઈસર સાથે મોકલ્યો હતો. અને રાજકોટમાં બજરંગવાડી ચોકીની સામે આવેલા શકુન કોમ્પ્લેક્ષ ૧૦૧માં રહેતો રીયાઝખાન ઉર્ફે મુન્નો મહેબુબભાઈ પઠાણ નામના શખ્સે મંગાવ્યો હોવાની કબુલાત આપતા, બંને શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી શોધખોળ હાથ ધરી છે.