રૂરલ એસ.ઓ.જી.એ દરોડો પાડી ડીટોનેટર, જીલેટીન અને ઈલેકટ્રીક વાયર મળી રૂ.3.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો
અબતક,રાજકોટ
જસદણ તાલુકાના રાજાવડલા ગામેથી બોલેરો ગાડીમાંથી રૂ.1.70 લાખની કિંમતનો વિસ્ફોટક પદાર્થ સાથે સુકી સાજડીયાળી ગામના શખ્સને રૂરલ એસ.ઓ.જી.એ ઝડપી લઈ વધુતપાસ પી.આઈ. એસ.એમ.જાડેજા સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુથી એસ.પી.બલરામ મીણાએ સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધરવા આપેલીસુચનાને પગલે એસ.ઓ.જી.ના પી.આઈ.એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એચ.એમ. રાણા સહિતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ.
રાજકોટ તાલુકા સુકી સાજડીયાળી ગામે રહેતા સિધ્ધરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સ જી.જે.4 વાય 1792 નંબરની બોલેરોમાં વિસ્ફોટક પદાર્થ ભરીને ભાડલા તરફ આવી રહ્યાની એચ.એ.અગ્રાવતને મળેલી બાતમીનાં આધારે રાજાવડલા ગામે વોચ ગોઠવી હતી.ભારે શંકાસ્પદ હાલતમાં નિકળેલી ઉપરાકેત નંબરની કારને અટકાવી તલાશી લેતા બીલ વગરના રૂ.1.70 લાખની કિમંતનો ડીટોનેટ 500 નંગ, જીલેટીન સ્ટીક નંગ 800 અને ઈલેકટ્રીક વાયર મળી રૂ.3.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ બનાવની વધુ તપાસ ભાડલા, પોલીસ મથકના પી.એસ.આઈ. એચ.ડી.હીંગરોજા સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં લાયસન્સ ધારક પાસેથી ખરીદ કરી જસદણ અને વિંછીયા પંથકમાં કુવા ખોદવા વાળાને વેચતા હોવાનું જાણવા મળ્યું છે.