નીશંકાની સદીએ લંકાને વિજય અપાવ્યો ઝિમ્બાબ્વે પણ થશે ક્વોલીફાઇ
આઇસીસી વન-ડે વર્લ્ડ કપ ક્વોલિફાયરના સુપર સિક્સ રાઉન્ડમાં શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને 9 વિકેટે પરાજય આપ્યો હતો. આ જીત સાથે જ શ્રીલંકાની ક્રિકેટ ટીમ આ વર્ષે ભારતમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. વર્લ્ડ કપની ક્વોલિફાયર મેચમાં શ્રીલંકન ક્રિકેટ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને તેણે સુપર સિક્સમાં પોતાનું શાનદાર ફોર્મ યથાવત રાખ્યું હતું. બીજું સૌથી મોટી વાત તો એ છે કે એક સમયનું વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ વર્ષ 2023 વિશ્વ કપમાં ક્વોલીફાઈ પણ થઈ શક્યું નથી જે ખરા અર્થમાં ક્રિકેટ રસિકોમાં એક નારાજગી ઊભી થઈ છે. સુપર સિક્સ મેચમાં શ્રીલંકા સામે ઝિમ્બાબ્વેની ટીમ 32.5 ઓવરમાં માત્ર 165 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
166 રનના લક્ષ્યાંકને પાર પાડવામાં શ્રીલંકન ટીમને વધારે મુશ્કેલી પડી ન હતી. શ્રીલંકાએ 33.1 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા અને 9 વિકેટે મેચ જીતી લીધી હતી. શ્રીલંકા બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઝિમ્બાબ્વે સામેની આ જીતમાં શ્રીલંકા માટે મહેશ તિક્ષણા અને દિલશાન મધુશંકા હીરો રહ્યા હતા. આ બંને ખેલાડીઓએ શ્રીલંકા તરફથી બોલિંગમાં કુલ 7 વિકેટ ઝડપી હતી. મહેશ તિક્ષાનાએ 8.2 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ લીધી હતી જ્યારે મધુશંકાએ ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી. જ્યારે મતિષા પથિરાનાએ બે જ્યારે કેપ્ટન શનાકાએ એક વિકેટ ઝડપી હતી.
ઝિમ્બાબ્વેએ તેની પ્રથમ વિકેટ માત્ર બે રનમાં ગુમાવી દીધી હતી. આ પછી ટીમે નિયમિત અંતરાલ પર પોતાની વિકેટ ગુમાવી હતી. ઝિમ્બાબ્વેની અડધી ટીમ 127 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી હતી. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે સૌથી વધુ 56 રનની ઈનિંગ્સ રમી હતી. ત્યારે હવે અન્ય બે ટીમો જે વિશ્વ કપ માટે ક્વોલિફાઈ થશે તેમાં ઝિમ્બાબ્વે નું નામ મોખરે છે જ્યારે સ્કોટલેન્ડને પણ કવાલીફાઈ થવાની તક વધુ છે. હવે વર્લ્ડકપમાં ક્વોલિફાય થનારી બીજી ટીમ તરીકે સ્થાન મેળવવા માટે ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે સ્પર્ધા છે.