સ્વચ્છતા અભિયાનના 3 વર્ષ પૂરા થયાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે સમાજની ભાગીદારી વગર સ્વચ્છતા અભિયાન ક્યારેય પૂરું થઈ શકે નહીં. તેમણે કહ્યું કે એક હજાર મહાત્મા ગાંધી અને એક લાખ નરેન્દ્ર મોદી આવે તો પણ આ સપનું પૂરું થઈ શકે નહીં. પીએમ મોદીએ દેશના લોકોને આ અભિયાન સાથે જોડાવવાની અપીલ કરી. તેમણે કહ્યું કે સ્વચ્છતા અભિયાનના ત્રણ વર્ષમાં આપણે આગળ વધ્યાં છે. આ બદલ લોકોએ મારી આલોચના કરી કે અમારી 2 ઓક્ટોબરની રજા બગાડી. મારો સ્વભાવ છે કે હું ઘણી વસ્તુઓ સહન કરતો રહ્યો છું. સહન કરવું એ મારી ફરજ છે અને સહન કરવાની કેપેસિટી પણ વધારી રહ્યો છું.
પીએમ મોદીએ કહ્યું કે જો એક હજાર મહાત્મા ગાંધી આવી જાય, એક લાખ નરેન્દ્ર મોદી આવી જાય, તમામ મુખ્યમંત્રીઓ મળી જાય, તમામ સરકારો મળી જાય તો પણ સ્વચ્છતાનું સપનું ક્યારેય પૂરું થઈ શકે નહીં. પરંતુ જો સવા સો કરોડ દેશવાસીઓ આવી જાય તો જોત જોતામાં આ સપનું પૂરું થઈ જશે. પીએમ મોદીએ પોતાના જાણીતા અંદાઝમાં કહ્યું કે આ કહ્યાં બાદ તેમની ધોલાઈ પણ થઈ શકે છે પરંતુ દેશવાસીઓ સામે તથ્ય રજુ કરવું જરૂરી છે.
પીએમ મોદીએ વિરોધીઓ પર કટાક્ષ કરતા કહ્યું કે મોદીને ગાળો આપવા માટે અનેક વિષય છે, પરંતુ સમાજને જાગૃત કરવાના કાર્યક્રમ પર રાજનીતિ ન થવી જોઈએ. તેમણે વિપક્ષી દળોને કહ્યું કે તેઓ સમાજમાં બદલાવ લાવનારા વિષયોની મજાક ન ઉડાવે. તેમણે વધુમાં કહ્યું કે આલોચનાઓ થવા છતાં સરકાર સ્વચ્છતા અભિયાનને આગળ વધારવામાં લાગી રહી. ત્રણ વર્ષ સુધી અમે ખચકાયા વગર આ કામમાં લાગ્યા રહ્યાં કારણ કે અમને લાગતુ હતું કે બાપુએ જે કહ્યું છે તે રસ્તો ખોટો ન હોઈ શકે.
પીએમ મોદીએ કહ્યું કે પડકારો છે, પરંતુ પડકારો છે…. એટલે દેશને કઈ આમ જ રહેવા દેવાય નહીં. શું આપણે એ જ ચીજોને હાથ લગાવવાની જેનાથી વાહવાહ થતી હોય, જયજયકાર થતો હોય. તેમણે કહ્યું કે સ્વચ્છતા અભિયાન હવે દેશના સામાન્ય લોકોનું અભિયાન બની ચૂક્યું છે. મોદીએ કહ્યું કે મને લાગે છે કે હવે દેશવાસીઓ એક સૂરમાં પોતાની ભાવનાઓ પ્રગટ કરી રહ્યાં છે. બધા જાણે છે કે ગંદકીમાં આપણું પણ યોગદાન છે. બધાને સ્વચ્છતા પસંદ છે.