ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવા માટે ૭૬૭.૨૫ કરોડ રૂપિયાની જરૂર પડશે જેમાંથી કેન્દ્ર સરકાર ૪૭૪ કરોડ રૂપિયા આપશે
દેશમાં મહિલા અત્યાચાર અને ખાસ કરીને બળાત્કારનાં બનાવોમાં આરોપીને તાત્કાલિક સજા મળી રહે અને પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે મોદી સરકાર કટીબઘ્ધ બની છે. ન્યાયમાં દેર છે પણ અંધેર નથીની ઉકિતમાં કયારેક વિલંબથી મળતો ન્યાય પણ અન્યાય જેવો જ પીડાદાયી બને છે. બળાત્કારની ઘટનાઓમાં કેસ ઝડપથી ચાલે અને ગુનેગારોને સજા જલ્દીથી મળે તે માટે કેન્દ્ર સરકારનાં કાયદા વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા ઉભી કરવા તૈયારી કરેલ છે.
કેન્દ્ર સરકારે સંસદમાં શુક્રવારે જણાવ્યું હતું કે, સરકાર સગીરા પરનાં અત્યાચાર અને ખાસ કરીને દુષ્કર્મનો ઉકેલ જલ્દી આવે તે માટે તૈયાર કરી રહેલી પરિયોજનામાં દેશમાં ૧૦૨૩ જેટલી ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ ઉભી કરવામાં આવશે. સંસદમાં લેખિત જવાબમાં મહિલા અને બાળ કલ્યાણકારી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, દેશમાં ૧૦૨૩ ફાસ્ટ ટ્રેક કોર્ટ ઉભી કરવા માટે ૭૬૭.૨૫ કરોડ રૂપિયા રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા ખર્ચવામાં આવશે.
કેન્દ્રમાં કાયદો અને ન્યાય મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલી યોજનામાં ફાસ્ટ ટ્રેક કોર્ટ ઉભી કરી બળાત્કાર અને પોકસોનાં કેસોનો ઝડપથી નિકાલ લાવશે. કેન્દ્ર સરકાર આ યોજના અંતર્ગત ૪૭૪ કરોડ રૂપિયાનાં ખર્ચે ખાસ કોર્ટ ઉભી કરશે. ઉતર પ્રદેશમાં જ ૨૧૮ ફાસ્ટ ટ્રેક સ્પેશ્યલ કોર્ટ ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બળાત્કાર અને ખાસ કરીને સગીર બાળકો વિરુઘ્ધનાં અત્યાચારો સામે કડક હાથે ડામ દેવા સરકાર કટીબઘ્ધ બની છે.