પૂર્વ સાંસદ માનસીંગ પટેલની મુખ્યમંત્રી અને વડાપ્રધાનને રજૂઆત
પોતાના મળતીયા એવા ૩૦૦ લોકોને ડેરીમાં નોકરીએ રાખી સંસ્થા પર કરોડો રૂપિયાનો બોજ નાખ્યો: કોન્ટ્રાકટ આપવામાં પણ ભ્રષ્ટાચારનો સનસનીખેજ આક્ષેપ
સુમુલ ડેરીના પ્રમુખ રાજુ પાઠકે રૂા.૧ હજાર કરોડનું કૌભાંડ આચર્યાનો પૂર્વ સાંસદ માનસીંગ પટેલે આક્ષેપ કર્યો છે. તેમણે વડાપ્રધાનને પત્ર લખી આ કૌભાંડની તપાસ કરી જવાબદારો સામે કડક પગલા લેવા માંગણી કરી છે.
પૂર્વ સાંસદ માનસીંગ પટેલે મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને પત્ર લખી જણાવ્યું છે કે સુમુલ ડેરીના પ્રમુખ રાજુ પાઠકે ડેરીનો ભ્રષ્ટ વહીવટ કર્યો છે. અને કરોડોની ‘મલાઈ’ તારવી લીધી છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે પોતાના માનીતા ૩૦૦ લોકોને ખોટી રીતે નોકરીએ રાખ્યા છે. અને ડેરી પર કરોડોનો બોજો વધાર્યો છે.
ચેરમેને જરૂર ન હોવા છતા ડેરીમાં રીનોવેશન હાથ ધરી કરોડો ખર્ચી નાખ્યા છે. આ ઉપરાંત પોતાના માનીતાઓને કરોડોનો કોન્ટ્રાકટ આપી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે.
સુમુલ ડેરી દ્વારા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવે છે. ડેરીએ ખેડુતો, પશુપાલકો માટે મધમાખી ઉછેર અને ગીર ગાય સંવર્ધન જેવા પ્રોજેકટ હાથ ધર્યા છે. પણ આ યોજનાઓ પૂરતુ દેખરેખ અને સારી ભાવનાને ધ્યાનમાં રાખી પૂરતી તકેદારી નહીં રખાતા નિષ્ફળ ગઈ છે. ડેરીના કરોડો રૂપીયા વેડફાયા છે.સાંસદે મુખ્યમંત્રી તથા વડાપ્રધાનને પત્ર લખી સુમુલ ડેરી ચેરમેને આચરેલા ૧હજાર કરોડના કૌભાંડની તપાસ કરી કડક પગલા લેવા રજૂઆત કરી છે.