શહેરની ૩૦ હોસ્પિટલમાં કોરોના બેડ તૈયાર: ડો. રાવને યાદી અર્પણ
વડોદરામાં કોરોનાના રોગચાળાને ડામવા અને રોગચાળામાં કોરોના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલો પર તંત્રની મદદે આવી છે. શહેરમાં ૩૦ હોસ્પિટલોમાં એક હજાર બેડની ક્ષમતા સાથે સારવારની તૈયારી કરી દેવાઈ છે. શહેરની ૩૦ હોસ્પિટલોને કોરોના વોર્ડ સાથે તૈયાર કરી કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવશે.
વડોદરામાં કોરોનાના રોગચાળાને અટકાવવા માટે સરકારે ખાસ અધિકારી તરીકે ડો.વિનોદ રાવની નિયુકિતી કરી છે.
ડો. રાવ તબકકાવાર તબીબો, વહીવટી તંત્ર હોસ્પિટલ સતાવાળાઓ તથા ખાનગી તબીબો સાથે બેઠકો યોજી શહેરમાં કોરોનાના વધુને વધુ દર્દીઓની સારવાર કરી શકાય તે માટે પ્રયાસો કરી રહ્યા છે. અગાઉ ખાનગી તબીબોએ કોરોના દર્દીઓની સારવારમાં સહભાગી થવા નિર્ધાર વ્યકત કર્યો હતો.
તાજેતરમાં ડો.રાવે શહેરનાં તબીબો તથા હોસ્પિટલ સતાવાળાઓ સાથે બેઠક યોજી કોરોનાને ડામવા વધુને વધુ સહયોગ આપવા અપીલ કરી હતી.
શહેરની ૩૦ હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓની સારવાર માટે ખાસ સુવિધા શરૂ કર્યા છે અને આવી હોસ્પિટલોની યાદી મેડીકલ એસો.ના હોદેદારોએ ખાસ અધિકારી ડો. રાવને અર્પણ કરી હતી. આ ખાનગી હોસ્પિટલની સુવિધા વધતા શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે હજાર બેડની સુવિધા મળશે. હોસ્પિટલોમાં દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ફરજ પરના તબીબો તથા સેવા આપતા તબીબોને જોવા જણાવાયું હતુ.