એક લેખકને ભારતમાં નિષ્ફળ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. આજે એક એવી ઓફ સ્ક્રીન વાર્તા જોઈએ જેમાં એક લેખકે અબજોની કમાણી કરી.માર્વેલ આજે દરેકના હ્રદયનો ધબકાર છે. તેના ડાઇ હાર્ડ ફેનની સંખ્યા અબજોમાં છે. 15,000 કરોડ કરતાં પણ વધુનો બોક્સ-ઓફિસ બિઝનેસ કરી ચૂકેલી ‘એવેન્જર્સ એન્ડ-ગેમ’ સાથે એમસીયુનાં ફેઝ-3નો અંત આવી ગયો છે.
એક્સ-મેન સીરિઝનાં 100 સુપરહીરો કિરદારની ફેઝ-4માં એન્ટ્રી પાક્કી છે! ગેલેક્ટ્સથી માંડીને ડોક્ટર ડૂમ અને ફેન્ટાસ્ટિક ફોરથી માંડીને શેંગ-ચી જેવા સુપરહિટ વિલન તેમજ હીરોની વાપસીનાં એંધાણ જણાઈ રહ્યા છે. રસપ્રદ વાત એ છે સાહેબ, સ્ટેન લીએ પોતાની જિંદગીનાં 95 વર્ષોમાં એક એવું કાલ્પનિક બ્રહ્માંડ ઉભું કર્યુ, જેના ચાહકો બાળકોથી માંડીને વૃદ્ધો સુધી તમામ છે! એક નાનકડા બીજવિચાર અને હતાશાભરી કેટલીક ક્ષણોમાંથી ઉદભવેલા પાત્રોએ સ્ટેન લીને અમર બનાવી દીધા.
દાયકાઓ સુધી માર્વેલ કોમિક્સનાં સર્વેસર્વા રહી ચૂકેલા સ્ટેન લી નવેમ્બર 2018માં નિધન પામ્યા. ‘એવેન્જર્સ એન્ડ-ગેમ’માં ન્યુજર્સીનું એક દ્રશ્ય આવે છે, જેમાં સ્ટેન લીનું યુવાન સ્વરૂપ દેખાડાયું છે. વાસ્તવમાં એ સીન વખતે તો સ્ટેન લીનું મૃત્યુ થઈ ગયું હતું. ડિરેક્ટર્સ રૂસ્સો બ્રધર્સે એમનાં હમશકલ સાથે આખો સીન શૂટ કર્યો અને ચાહકોને સ્ટેન લીની કદાચ એક આખરી ઝલક માણવાનો લ્હાવો પૂરો પાડ્યો!
આજથી 80 વર્ષ પહેલા 1939ની સાલમાં માર્વેલ કોમિક્સનાં મૂળિયા રોપાયા. માર્ટિન ગૂડમેન નામનાં પ્રકાશકે ‘ટાઇમલી પબ્લિકેશન’ કંપની સ્થાપી. તેની પત્નીનો પિતરાઈ ભાઈ એટલે માર્વેલ યુનિવર્સનાં સર્જનકર્તા સ્ટેન લી! માર્ટિને તેને જનરલ ઓફિસ આસિસ્ટન્સ્ટ તરીકે નોકરી આપી. ખાસ કંઈ કરવાનું નહીં. એ સમયે શાહીવાળી કલમો આવતી. સ્ટેન લીનું કામ એટલું કે શાહીની બોટલો સમયસર નિયમિત રીતે ભરતાં રહેવાની!
1922માં જન્મેલા સ્ટેન લીની તો એ વખતે ઉંમર પણ સાવ નાની. બાળપણથી જ વાંચવા-લખવાનો ભારે શોખ. વાર્તા પ્રત્યે એને ખાસ લગાવ. ટાઇમલી પબ્લિકેશનમાં જોડાતાં પહેલા અમેરિકાનાં ન્યુઝપેપર હાઉસમાં તેણે પરચૂરણ નોકરી કરી હતી. એનો અનુભવ હવે કામ લાગી રહ્યો હતો. એક બેડરૂમ ધરાવતાં નાનકડા ઘરમાં રહેતાં ડ્રેસ-કટરનો આ છોકરો એરોલ ફ્લિનની હીરોઇક ફિલ્મોનો જબરો ફેન ! 15 વર્ષે હાઇ-સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને તેની પ્રતિભા છલકવી શરૂ થઈ. ‘ન્યુયોર્ક હેરાલ્ડ ટ્રિબ્યુન’ દ્વારા સ્પોન્સર્ડ ‘ન્યુઝ ઓફ ધ વીક’ સ્પર્ધામાં સ્ટેન લીએ ભાગ લીધો અને ઇનામ પણ મેળવ્યું. લેખન પરત્વે ઉત્સાહ વધતો ગયો.
1939માં ટાઇમલી પબ્લિકેશન માટે કામ કરવાનું શરૂ કર્યુ એ અરસામાં શરૂઆતી ગાળામાં ત્યાંના નોકરિયાતો માટે બપોરનું ભોજન લઈ આવવાનું કામ કર્યુ. આર્ટિકલ તેમજ અન્ય લખાણો પ્રુફ-રીડિંગ કર્યુ. પેન્સિલથી લખાયેલા કાગળિયા પૂરા થઈ જાય તો એમાંનું લખાણ રબરથી ભૂંસી આપવા સુધીની મજૂરી સુદ્ધાં કરી!
1941ની સાલમાં નસીબ આડેથી પાંદડુ હટ્યું. તેની પિતરાઈ બહેને ટાઇમલી પબ્લિકેશનની નોકરી છોડી દીધી. 30 વર્ષનાં માર્ટિન ગૂડમેને 19 વર્ષનાં સ્ટેન લીને કામચલાઉ એડિટર બનાવ્યો. આવડતથી ભરપૂર સ્ટેન લી માટે તો આ એક તક જ કાફી હતી. 1941નાં મે મહિનામાં તેણે ‘કેપ્ટન અમેરિકા’ નામનું પાત્ર માર્વેલ કોમિક્સમાં લોન્ચ કર્યુ. રાતોરાત તેને સફળતા મળી. દસેક લાખ જેટલી નકલોનું વેચાણ થયું! પબ્લિશર તો ખુશ ખુશ! માર્ટિને સ્ટેન લીને ત્યારબાદ પૂરતી સ્વતંત્રતા આપી. સ્ટેન લીએ પણ પોતાની કોમિક બૂક કરિયર પૂરજોશમાં આગળ વધારી.
સામાન્યત: ફેન્ટસી રાઇટર્સ પોતાની કલ્પનામાં એટલી હદ્દે ડૂબી જાય છે કે પોતાની જાતને એમાંનું એક પાત્ર માની લે છે. સુપરહીરોની ફેન્ટસીમાં રાચતાં સ્ટેન લીએ દેશની સેવા કરવા માટે 1942ની સાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી જોઇન કરી. (જોકે, બાદમાં સ્ટેન લીએ આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે આખી વાતને ખૂબ હળવાશપૂર્વક લેતાં કહ્યું હતું કે, આર્મીમાં જોડાવું એ મારી મૂર્ખામીભર્યુ પગલું હતું, યુદ્ધ ભૂમિ પર કરવાલાયક એકપણ કામ મને ત્યાં નહોતું મળ્યું!)
સ્લોગન લખવા, કાર્ટૂન દોરવા, રાઇટિંગ મેન્યુઅલ્સ લખવા એ સ્ટેન લીનું કામ. જોકે, એમણે ટાઇમલી પબ્લિકેશન અને માર્વેલનાં કિરદારોને કંઈ અલવિદા નહોતું કીધું. આર્મી-કેમ્પમાં પણ તેમને દર શુક્રવારે ટાઇમલી પબ્લિકેશનનાં તંત્રીઓનાં પત્રો આવતાં, જેમાં તેઓ આગામી અંકમાં સ્ટેન લી પાસે શું લખાવવા માંગે છે એની માહિતી રહેતી. સ્ટેન લી દર સોમવારે પોતાનાં ભાગનું કામ પૂરું કરીને આખી વાર્તા પોસ્ટમાં મોકલી આપતાં.
હવે એક વખત બન્યું એવું કે, પોસ્ટમેનથી નજર ચૂક થઈ. તેને લાગ્યું કે સ્ટેન લી માટે કોઇ પત્ર નથી આવ્યો. બીજી બાજુ, સ્ટેન લીને પણ કીડીઓ ચડવા માંડી. શુક્રવાર પૂરો થવા આવ્યો એમ છતાં કેમ કોઇ પત્ર ન મળ્યો? બીજા દિવસે ભાઈ પહોંચ્યા સીધા ડાકઘર! જઈને જુએ છે તો ‘ટાઇમલી કોમિક્સ’નાં રીટર્ન એડ્રેસ માટે રવાના થઈ રહેલું પરબીડિયું તેમનાં ધ્યાનમાં આવ્યું. એમણે ત્યાંના સ્થાનિક ઓફિસરને વિનંતી કરી કે, મેઇલ-બોક્સ ખોલીને પેલો પત્ર કાઢી આપે, જેથી વાર્તા મોકલવાની ડેડલાઇન ચૂકાઈ ન જાય.
પરંતુ ઓફિસર ન માન્યા. છેવટે સ્ટેન લી પાના-પકડ લઈને મંડી પડ્યા મેઇલ-બોક્સ ખોલવા! એમની આ કારીગરી ત્યાંના હેડ-ઓફિસરનાં ધ્યાનમાં આવી. તાત્કાલિક એમને જેલમાં નાંખવાનો નિર્ણય લેવાયો. જોગાનુજોગ, ફાયનાન્સ ડિપાર્ટમેન્ટનાં કર્નલ-ઇન-ચાર્જનું સ્ટેન લી પર ધ્યાન ગયું અને તેમણે વિનંતીઓ કરીને એમને જેલ જતાં અટકાવ્યા. દિવસ પૂરો થતાં સુધીમાં સ્ટેન લીએ પોતાની વાર્તા પૂરી કરી અને સોમવાર થતાંવેંત પબ્લિશરને ટપાલ સાથે રવાના કરીને ડેડલાઈન પણ સાચવી લીધી! ધિસ ઇઝ કોલ્ડ ડેડિકેશન. ખંત અને નિષ્ઠા સાથે કામ કરવાની ધગશ!
1950નાં દાયકામાં ટાઇમલી કોમિક્સ હવે ‘એટલાસ કોમિક્સ’ તરીકે ઓળખાવા લાગી હતી. રોમાન્સ, વેસ્ટર્ન, હોરર, સસપેન્સ, હ્યુમર, સાયન્સ ફિક્શન જેવા પુષ્કળ જોનરમાં સ્ટેન લીની માસ્ટરી આવી ગઈ હતી. ખબર નહીં કેમ, ધીરે ધીરે એમને પોતાની કરિયર માટે અસંતોષ પેદા થવા લાગ્યો. ટૂંક સમયમાં પોતે આ ક્ષેત્ર છોડી દેશે એવું મનમાં નક્કી પણ કરી લીધેલું. અને એ વખતે ફરી એક ચમત્કાર થયો. માર્વેલની પ્રતિસ્પર્ધી કોમિક્સ કંપની ‘ડી.સી. કોમિક્સ’એ સુપરહીરોની આખી એક ટીમ ધરાવતી ‘જસ્ટીસ લીગ ઓફ અમેરિકા’ કોમિક-બુક બહાર પાડી હતી. એટલાસ કોમિક્સનું માર્કેટ એ સમયે ઓલરેડી ડાઉનમાં હતું.
પબ્લિશર માર્ટિન ગૂડમેને ફરી એકવાર સ્ટેન લીને કહ્યું કે સુપરહીરોની ટીમ ધરાવતાં એક કોન્સેપ્ટવાળી એક કોમિકબુક બહાર પાડીએ તો કેવું? સ્ટેન લી પણ તુરંત માની ગયા. આમ પણ ગુમાવવા જેવું હવે કશું બચ્યું નહોતું. કરિયર છોડીને બીજ કશેક ઠરીઠામ થઈ જવાની ઇચ્છા બળવત્તર બની ગઈ હતી. છેલ્લું કામ માનીને સ્ટેન લીએ બિંદાસ પોતાની કલ્પનાને છૂટ્ટો દોર આપી દીધો. અને સર્જન થયું, ફેન્ટાસ્ટિક ફોરનું! તમને થશે કે, આમાં વળી એવું તે શું નવું હતું? પહેલા તો એ સમજી લો કે, એ સમયનાં સુપરહીરોને ખૂબ પરફેક્ટ દર્શાવવામાં આવતાં હતાં. તેમનાં જીવનમાં કોઇ પ્રકારની પરેશાની જ નહોતી!
પોતાના સુપર-પાવરની મદદથી તેઓ દુનિયાને બચાવીને હીરો સાબિત થઈ જતાં. સુપરહીરોમાં પણ લાગણી હોય, એમને પણ પરિવાર હોય, અંગત જીવનમાં મુશ્કેલીઓ હોય એ કોન્સેપ્ટ જ નવો હતો! પોતાની જાત સાથે ઝૂઝતાં અને મનોમંથન કરતા સુપરહીરોનું જાણે કોઇ અસ્તિત્વ જ નહોતું! સ્ટેન લીએ આવા પાત્રોને જન્મ આપ્યા. આર્ટિસ્ટ જેક કર્બી સાથે મળીને સ્ટેન લીએ હલ્ક, આયર્નમેન, એક્સમેન, ડેર ડેવિલ, ડોક્ટર સ્ટ્રેન્જ અને સ્પાઇડર મેનને લોકપ્રિય બનાવ્યા. અને સૌથી છેલ્લે સર્જન થયું, એવેન્જર્સનું! સુપરહીરોની આખી ટીમ, જે બ્રહ્માંડનાં સૌથી મોટામાં મોટા ખતરાની સામે બાથ ભીડે!
‘એવેન્જર્સ’માં દેખાડવામાં આવેલો સુપર-વિલન થેનોસ તો ફક્ત શરૂઆત હતી, સાહેબ! સ્ટેન લીએ જેક કર્બી સાથે મળીને ‘ગેલેક્ટસ ટ્રાયોલોજી’ લખી છે, જેમાં બ્રહ્માંડનો સૌથી ખતરનાક સુપર-વિલન ગેલેક્ટસ ગ્રહોને બરબાદ કરી નાંખવા માંગતો હોય એવી વાર્તા છે ! આ લિસ્ટમાં સેલેસ્ટિયલ્સ. ડેથ, ડોરમામુ, વેનમ, એપોકેલિપ્સ, ડોક્ટર ઓક્ટોપસ, ડોક્ટર ડૂમ, ધ ગ્રીન ગોબ્લિનનો પણ સમાવેશ થાય છે. 1972ની સાલમાં સ્ટેન લીએ ‘ધ અમેઝિંગ સ્પાઈડર-મેન’ અને ‘ફેન્ટાસ્ટિક ફોર’નાં અંક સાથે પોતાની રાઇટિંગ કરિયરને વિરામ આપ્યો. ત્યારબાદ તેઓ માર્વેલ મીડિયામાં ખાસ્સા સક્રિય થયા.
અમેરિકા સહિત અલગ-અલગ દેશોમાં યોજાતાં કોમિક-બૂક મેળામાં હાજરીઓ આપી, લેક્ચર્સ આપ્યા. માર્વેલ કોમિક્સ માટે કેરેક્ટર્સ બનાવવાનું કામ મૂકી દીધું હોવા છતાં તેમણે તંત્રીપદની તમામ જવાબદારી છેક સુધી નિભાવી. 95 વર્ષની ઉંમરે મરણ પથારી પર હોવા બાવજૂદ તેમને માર્વેલ ફિલ્મોમાં કેમિયો કિરદાર નિભાવવાની ઇચ્છા અકબંધ હતી. આખરે ગત 12મી નવેમ્બરે તેમણે કેલિફોર્નિયાનાં લોસ એન્જલસ ખાતે આખરી શ્ર્વાસ લીધા. અમર પાત્રો આપીને ચિરકાળ સુધી ઇતિહાસનાં પાને અંકિત થઈ જનાર સ્ટેન લીને માર્વેલ સિનેમેટિક યુનિવર્સ હંમેશા સ્મરણમાં રાખશે.
તથ્ય કોર્નર
અવેંજર્સનો 2015માં બનેલ ભાગ એજ ઓફ અલટ્રોન વિશ્ર્વની બીજી સૌથી મોંઘી (બિગ બજેટ) ફિલ્મ હતી. જેમાં 386 મિલિયન ડોલરનો ખર્ચ થયો હતો !!
વાયરલ કરી દો ને !
સમય હવે એક એવા લેખનકાર્યનો છે જેમાં એક લેખકે સારા લેખક હોવાની સાથે એક સારો વિજ્ઞાનવિદ, ધંધાર્થી અને અસમાન્ય બૌધિક ક્ષમતાવાળું બનવું પડશે